અમદાવાદમાં દિવસે ને દિવસે લૂંટનાં બનાવોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદની કાયદો વ્યવસ્થા કથળતી જાય છે. પહેલાં આંગડિયા પેઢીનાં કર્મચારીને ગોળી મારી લૂંટ ચલાવવામાં આવી હતી. ત્યારે આજે પાલડી નજીકનાં અંજલિ બ્રિજ પાસે 1 કરોડની કિંમતના અઢી કિલો સોનાની લૂંટ ચલાવવામાં આવી હતી. એક્ટિવા પર આવેલાં બુકાનીધારી શખ્સો લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે વાસણા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક જાણકારી પ્રમાણે મુંબઈનો વેપારી સોનાં સાથે અમદાવાદ આવ્યો હતો. તે જ્યારે અંજલિ બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક્ટિવા પર આવેલાં લુટારાઓએ તેમને આંતર્યા હતા. અને તેમની પાસે રહેલું અઢી કિલો સોનું છીનવીને ફરાર થઈ ગયા હતા. સરેઆમ ચલાવેલી આ લૂંટ બાદ અમદાવાદની કાયદો વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
1 કરોડની લૂંટનો મેસેજ મળતાં પોલીસ બેડામાં પણ દોડધામ મચી ગઈ હતી. અને વાસણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. લુટારાઓ કઈ દિશામાં ભાગ્યા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. તો આ લૂંટમાં કોઈ જાણભેદૂ હોવાની પણ શક્યતા હોય શકે છે. હાલ તો પોલીસે સીસીટીવી સહિત નાકાબંધી કરીને તપાસ કાર્યવાહી શરૂ કરી છે.

