આવક વેરા (IT) વિભાગે મંગળવારે હૈદરાબાદની એક કંપની પાસેથી મોટી રકમ મેળવવા બદલ કોંગ્રેસ પક્ષને નોટિસ ફટકારી છે. કોંગ્રેસ પર આ કંપની પાસેથી રૂપિયા 170 કરોડની રકમ ફંડ સ્વરૂપમાં મળી હતી. વિભાગના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ પાસેથી સ્પષ્ટતા માગવામાં આવી છે.
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) ના અધિકારીઓના મતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં કામકાજ કરતી અગ્રણી બિઝનેસ હાઉસિસના દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન કોંગ્રેસને હૈદરાબાદ સ્થિત મેઘા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એન્જિનીયરિંગ તરફથી મોટી રકમ મોકલવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો.આ કેસમાં કોંગ્રેસ અને આંધ્રપ્રદેશના એક રાજકીય પક્ષના કેટલાક અધિકારી આવક વેરા વિભાગની રડારમાં છે.
તપાસમાં રૂપિયા 4.19 કરોડની રોકડ, રૂપિયા 3.2 કરોડના આભૂષણ મળ્યા
IT એ બનાવટી કોન્ટ્રેક્ટ દ્વારા આચરવામાં આવેલી રૂપિયા 3,300 કરોડની કરચોરી પકડી પાડી છે.તપાસ કાર્યવાહીમાં રૂપિયા 4.19 કરોડ રોકડ અને રૂપિયા 3.2 કરોડ કરતાં વધારેના આભૂષણ જપ્ત કર્યા હતા. કાયદાકીય બેન્કિંગ વ્યવસ્થાને બદલે ગેરકાયદેસર રીતે આ હવાલા પાડવામાં આવ્યા હતા.
IT એ કહ્યું- કેશ જનરેશન એક મોટી ગેરરીતિ છે
IT ટીમે નવેમ્બરની શરૂઆતમાં દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, ઈરોડ, પુણે, આગ્રા અને ગોવામાં અનેક બિઝનેસ હાઉસિસના સ્થળો પર દરોડા પાડ્યા હતા. 42 સ્થળો પર થયેલી કાર્યવાહીમાં બનાવટી બિલો મારફતે હવાલાની લેવડ-દેવડ કરનાર સંગઠીત સમૂહનો પણ ખુલાસો થયો છે. દરમિયાન કોર્પોરેટ્સ, હવાલા ઓપરેટરો અને નાણાં ટ્રાન્સફરને લગતા મોટા નેટવર્કની પણ માહિતી મળી છે. વિભાગે તેને કેશ જનરેશનનું એક મોટુ રેકેટ હોવાનો ખુલાસો કર્યો છે. આવક વેરા વિભાગને જાણ થઈ હતી કે કોઈ ગેંગનો સભ્ય બનાવટી બિલ જારી કરીને હવાલા મારફતે મોટી રકમની લેવડ-દેવડ કરી રહ્યો હતો. આવક વેરા વિભાગના મતે આ કંપનીએ દક્ષિણ ભારતમાં આર્થિક રીતે કમજોર વર્ગ માટે તૈયાર થતા આવાસ પ્રોજેક્ટોમાં છેતરપિંડી કરી કરચોરી કરી હતી.
આંધ્ર પ્રદેશમાં એક વ્યક્તિને રૂપિયા 150 કરોડ કરતા વધારેની રોકડ ચુકવણી
CBDT એ જણાવ્યું હતું કે આવક વેરા વિભાગે આંધ્રપ્રદેશના એક અગ્રણીને રૂપિયા 150 કરોડ કરતા વધારેની રોકડ ચુકવણી કરવાના પૂરાવા મળ્યા છે. CBDT એ જણાવ્યું હતું કે આ પૈકી મોટાભાગની કંપનીઓ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને મુંબઈ સ્થિત છે. આ પૈકી એક કંપની પર એપ્રિલ મહિનામાં કાર્યવાહી કરવામાં આવી હતી.

