જલિયાવાલા બાગ સ્મારક સુધારા બિલ લોકસભામાં નવા કાયદા સાથે પસાર થઇ ગયું છે. આ નવા કાયદા અંતર્ગત હવેથી કોંગ્રેસ અધ્યક્ષ જલિયાવાલા બાગ સમિતિના સભ્ય નહિ હોય. કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી પ્રહલાદસિંહ પટેલે સોમવારના રોજ લોકસભામાં આ આશય સાથે બિલ રજૂ કર્યું હતું જે શુક્રવારના રોજ પસાર થયું હતું. જોકે હવે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ જલિયાવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક સમિતિના સભ્ય બની શકશે નહિ. આ બિલનું નામ જલિયાવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક સુધારા બિલ છે. કોંગ્રેસ સાંસદોએ આ બિલનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું, જલિયાવાલા બાગ કાંડ બાદ સ્મારક બનાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ જમીન આપી હતી અને સ્મારક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જલિયાવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક કાયદો 1951માં દાખલ કરવામાં આવ્યો હતો. 1951માં કાયદો બનાવ્યા બાદ જયારે પહેલીવાર ટ્રસ્ટની રચના થઇ ત્યારે તેમાં જવાહરલાલ નહેરુ,સૈફુદ્દીન કિચલુ અને મૌલાના અબ્દુલ કલામ આઝાદ જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા. આ કાયદામાં જલિયાવાલા બાગને રાષ્ટ્રીય સ્મારક બનાવવા અને તેની રખવાળ કરવા માટે એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ એક સભ્ય રૂપે સામેલ થતા હતા. હવે કેન્દ્ર સરકારે આમ બદલાવ કરી દીધો છે અને સંશોધિત બિલમાં કોંગ્રેસ અધ્યક્ષ સમિતિના સભ્યના રૂપમાં રહેવાની જોગવાઈ હટાવી લીધી છે.
નવા બિલમાં સમિતિના સભ્ય તરીકે લોકસભામાં વિપક્ષના નેતાને નિયુક્ત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ વખતે કોઈને પણ લોકસભામાં વિપક્ષના નેતા તરીકે સ્થાન મળ્યું નથી જેથી તેઓ સમિતિના સભ્ય બની શકશે નહિ.

