ભારતીય નૌસેનાએ આંદામાન નિકોબાર પાસે શંકાસ્પદ હાલતમાં જોવા મળેલા ચીનના એક જહાજને ભાગવાની ફરજ પાડી હતી.
મળતી વિગતો પ્રમાણે ચીનનુ જહાજ શી યાન પર ભારતીય નૌસેનાના પી એઈટ વિમાનની નજર પડી હતી. પોસાઈડન-8 નામનુ વિમાન દરિયામાં અન્ય દેશોના જહાજોની ભાળ મેળવવાનુ કામ કરે છે.
એવી આશંકા છે કે, ચીન આ જહાજ થકી ભારતીય નૌસેનાની હિલચાલની જાસૂસી કરી રહ્યુ હતુ. કારણકે છેલ્લા કેટલાક સમયથી ચીનની નૌ સેનાએ હિન્દ મહાસાગારમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવવા માટે ધમપછાઠા શરુ કર્યા છે.
આ જહાજની ખબર પડતા જ ભારતીય નૌસેના એલર્ટ થઈ ગઈ હતી. આ જહાજ પર નજર રાખવા માટે નૌ સેનાના એક યુધ્ધ જહાજને તાત્કાલિક રવાના કરાયુ હતુ.
નિયમ પ્રમાણે કોઈ પણ વિદેશી જહાજ ભારતીય જળ સીમામાં સંશોધનની કામગીરી કરી શકતુ નથી.એટલે આ જહાજને ભારતીય નૌસેનાના યુધ્ધ જહાજે ભારતીય સીમાની બહાર નીકળી જવા માટે કહ્યુ હતુ. એ પછી ચીની જહાજ ભારતીય સીમાની બહાર ભાગી ગયુ હતુ.
ભારતીય નૌસેના હિંદ મહાસાગરમાં પ્રવેશતા તમામ ચીનના જહાજો પર સતત નજર રાખે છે. થોડા સમય પહેલા જ હિન્દ મહાસાગરમાં સક્રિય સાત ચીની યુધ્ધ જહાજોની જાણકારી પોસાઈડન-8 વિમાને પ્રાપ્ત કરી હતી.
ચીનની સબમરિનો પણ હિન્દ મહાસાગરમાં અવાર નવાર જોવા મળી રહી છે.

