ગુજરાતમાં ચોમાસાની સિઝન પૂર્ણ થયાં પછી પણ રાજ્યમાં પડેલા કમૌસમી વરસાદે રાજ્યમાં ખેડુતોની સ્થિતી કફોડી છે ત્યારે હજુ સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં કમૌસમી વરસાદ પડવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં બે લૉ પ્રેશર સક્રિય થયા હતા.
જો કે દક્ષિણ પશ્ચિમમાં સક્રિય લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. જેના લીધે 48 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે. અને 72 કલાકમાં સોમાલિયા તરફ આગળ વધશે. આના લીધે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કમૌસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
4 ડિસેમ્બરે મધ્ય ગુજરાતનાં આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા તેમજ દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી સિવાય સૌરાષ્ટ્રનાં ભાવનગર, અમરેલી અને ગીરસોમનાથ જેવાં જીલ્લાઓમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે, આ દરમિયાન દરિયામાં ઉંચા મોજા ઉછળવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયાછથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
કમૌસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદ બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો પણ અનુભવાય એવી શક્યતા છે. હવામાન ખાતાનું કહેવું છેકે, ઉત્તર ભારત તરફથી આવતા પવનોને કારણે આવતા અઠવાડિયાથી ગુજરાતમાં ઠંડીમાં વધારો થશે.

