વિસનગરના કેસમાં બે વર્ષની સજા સામે મનાઇહુક્મ મેળવવાની રીટ હાઇકોર્ટે ફગાવી દીધી હતી. જેની સામે હાર્દિક પટેલે સુપ્રિમ કોર્ટમાં તાત્કાલિક સુનાવણી હાથ ધરવાની માંગ કરી હતી. મંગળવારે સુપ્રિમ કોર્ટમાં માત્ર ૨૮ સેકન્ડમાં જ મેટર સાઇડ પર મૂકાઇ ગઇ હતી. હાર્દિક તરફથી સીનીયર એડવોકેટ કપિલ સિબલ તથા અભિષેક મનુ સીંઘવી હાજર રહ્યા હતા. બોર્ડ શરુ થાય તે પહેલાં જ બાજુની બંધારણીય બેંન્ચમાં બીજી મેટર કોલ આઉટ થતાં સીનીયર એડવોકેટ અભિષેક મનુ સીંઘવી ત્યાં ગયા હતા. આ સમયે મેન્શનીંગ શરૂ થયું. સીંઘવીના આસીસ્ટન્ટ અમીત ભંડેરી કાંઇ રજૂઆત કરે તે પહેલાં જ ગુજરાત સરકાર તરફથી સોલીસીટર જનરલ તુષાર મહેતાએ તાત્કાલિક સુનાવણીનો વિરોધ કરતાં એવી દલીલ કરી હતી કે, આ કેસમાં ઉતાવળ કરવાની જરુર જણાતી નથી. કેમ કે, ઓગસ્ટ-૨૦૧૮માં કોર્ટે આદેશ આપ્યો હતો. હાર્દિક પછી પણ ચૂંટણી લડી શકે છે. કોર્ટે તે ગ્રાહ્ય રાખી હતી. પરિણામે લોકસભાની ચૂંટણી હાર્દિક લડશે કે નહીં તે બાબત પર પૂર્ણ વિરામ તો મંગળવારે જ મૂકાઇ ગયું હતું. ગુરૂવારે કોઈ જ સુનાવણી હતી જ નહીં.

