આર્થિક કટોકટીમાં સપડાયેલું પાકિસ્તાન નાદારીના આરે : પાક. નાણામંત્રીની કબૂલાત

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પાકિસ્તાનના અર્થતંત્રની કમર તૂટી ગઈ છે એટલે પાકિસ્તાન બેવડું વળી ગયું છે અને ગમે ત્યારે નાદારી નોંધાવે એવી શક્યતા છે એવું ખુદ પાકિસ્તાનના નાણામંત્રી અસદ ઉમરે કબૂલ્યું હતું. પાકિસ્તાનમાં ફુગાવો ૯.૪ ટકાએ પહોંચી ચૂક્યો છે અને મોંઘવારીથી નાગરિકો ત્રાસી ચૂક્યા છે.

આર્થિક કટોકટીમાં ગંભીર રીતે સપડાઈ ગયેલું પાકિસ્તાન ભલે સરહદે અશાંતિ સર્જતું હોય, પણ ખરી રીતે પાકિસ્તાન યુદ્ધ કરી શકે એવી કોઈ જ સ્થિતિમાં નથી. પાકિસ્તાન ગપ્પા હાંકીને ભારતને જવાબ આપવાની તૈયારી બતાવી છે, પરંતુ હકીકત એ છે કે પાકિસ્તાન નાદારીના આરે ઊભું છે.

પાકિસ્તાનના નાણામંત્રી અસદ ઉમરે સોશિયલ મીડિયા સાથેની એક વાતચીતમાં જણાવ્યું હતું કે દેશમાં ફુગાવાનો દર ૯.૪ ટકાએ પહોંચી ચૂક્યો છે, જે ૨૦૧૩ પછી સૌથી વધુ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે અને જો કરજના ભારે અંતરને ઓછું કરવામાં સફળતા નહીં મળે તો પાકિસ્તાન દેવાળિયું થઈ જશે.

ઘણાં લાંબા સમયથી મોંઘવારીમાં સપડાયેલાં પાકિસ્તાને ચીન, સાઉદી અરેબિયા જેવા દેશો પાસેથી માતબર રકમની સહાય મેળવી લીધી છે, છતાં અર્થતંત્રમાં કોઈ જ ફરક ન પડયો હોવાથી પાક. સરકાર સામે મોટી મુશ્કેલી આવી પડી હોવાનું પાકિસ્તાનના નાણામંત્રીએ કબૂલ્યું હતું.

પાકિસ્તાનમાં પેટ્રોલના લીટરે ૧૦૦ રૃપિયા થઈ ચૂક્યા અને ડીઝલ તો એનાથી ય મોંઘું થઈ ચૂક્યું છે. એ જ રીતે જીવન જરૃરિયાતની ચીજવસ્તુઓના ભાવ પણ ભડકે બળે છે. આ બધાથી ત્રાસેલા લોકોમાં ભારે આક્રોશ છે. ટેક્સી સંગઠનો સહિતના વિવિધ યુનિયનોએ ભાવ વધારાના મુદ્દે સરકારને ઘેરવાનું શરૃ કર્યું છે.

પાક. નાણામંત્રીએ સ્વીકાર્યું હતું કે અર્થવ્યવસ્થા મંદ હોવાના કારણે રોજગારીની સમસ્યા પણ વિકરાળ મોં કરીને સામે ખડી થઈ ગઈ છે. તેની સામે સરકાર પગલાં ભરી રહી છે અને ઈન્ટરનેશનલ મોનેટરિંગ ફંડ સમક્ષ આ બાબતે રજૂઆત કરશે એવું ય પાક. નાણામંત્રીએ કહ્યું હતું. થોડા દિવસ પહેલાં પાકિસ્તાન સરકારની સંસ્થાના અહેવાલમાં કહેવાયું હતું કે મોંઘવારીના કારણે ૧૦ લાખ લોકોની રોજગારી ઉપર જોખમ મંડરાઈ રહ્યું છે.

પાકિસ્તાનના વર્તમાન નાણામંત્રીએ બધો જ દોષનો ટોપલો પૂર્વ નાણામંત્રી ઈશાક ડાર ઉપર ઢોળ્યો હતો. અસદે કહ્યું હતું કે ઈશાકના સમયમાં નિકાસ ઘટી ગઈ હોવાથી વિદેશી હૂંડિયામણનો પ્રશ્ન થયો છે. ઈશાક ડાર ચાર વખત પાકિસ્તાનના નાણામંત્રી રહ્યા છે. જોકે, ઈશાક ડારે આ બાબતે વર્તમાન નાણામંત્રી અસદ ઉમરને જવાબ આપ્યો હતો અને એક નિવેદનમાં કહ્યું હતું કે ઈમરાન ખાન સરકારની નબળી આર્થિક નીતિના દેશ આર્થિક કટોકટીમાં સપડાઈ ગયો છે.