ઉત્તર ભારતમાં પડી રહેલી હીમવર્ષાને લઈ રાજ્યમાં કોલ્ડવેવ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઠંડીમાં જબરો ઘટાડો નોંધાયો હતો. અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, પાટણ સહિત વિવિધ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા ખેડૂતો માવઠું થવાની ભીતિથી ચિંતિત બન્યા હતા. વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે અમદાવાદ અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા અરવલ્લી, મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આકાશમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વાદળછાયું વાતાવરણ સર્જાતા માવઠું થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા ફેલાઈ હતી. દિવસ દરમિયાન લઘુતમ અને મહત્તમ તાપમાનનો પારો ઊંચકાતા હાડ થીજવતી ઠંડીમાં નજીવો ઘટાડો થયો હતો. દિવસે ફૂંકાતા ઠંડા પવનનું જોર પણ ઘટ્યું છે. જોકે, આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતાઓ નહીંવત હોવાનું પણ હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે તાપમાન પાંચ ડિગ્રી સુધી ઘટાડો નોંધાતા ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો.

