આતંકવાદને નાથવામાં નિષ્ફળ પાક.ને FATF બ્લેકલિસ્ટ કરી શકે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

આતંક પર પગલાં લેવા માટેના ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ટ ફોર્સ (FATF)એ પાકિસ્તાનને અંતિમ ચેતવણી આપી છે. ફ્લોરિડામાં યોજાયેલી એફએએફટીની બેઠકમાં પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ કડક પગલાં લેવા માટે ઓક્ટોબર 2019ની ડેડલાઈન નિર્ધારિત કરાઈ છે. એફએએફટીએ પાકિસ્તાનને આપેલી ચેતવણીથી પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરાય તેવી સંભાવના પ્રબળ બની છે. પાકિસ્તાનના મુખ્ય વર્તમાનપત્ર ડોનના અહેવાલ મુજબ એકમાત્ર તુર્કીએ પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવાનો વિરોધ કર્યો હતો.

પાક.ના મિત્ર ચીને બેઠકથી અંતર રાખ્યું
ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ રજૂ કરાયેલા પ્રત્સાવનું અમેરિકા અને બ્રિટને પણ સમર્થન કર્યું હતું. રિપોર્ટ મુજબ પાકિસ્તાન સાથે લાંબા સમયથી પડખે રહેનારા ચીને પણ આ બેઠકથી અંતર રાખ્યું હતું. ભારત એફએટીએફના એશિયા-પેસિફિક જોઈન્ટ ગ્રૂપનું કો-ચેર સભ્ય છે. એફએટીએફના નિર્દેશો મુજબ પાકિસ્તાન દ્વારા આતંકવાદી સંગઠનોન વિરુદ્ધ કાર્યવાહી અને મની લોન્ડરિંગને અટકાવવા માટે લેવાયેલા પગલાંની સમીક્ષા ભારત પણ કરે છે.

ગત વર્ષે પણ એફએટીએફે કડક વલણ અપનાવતા પાકિસ્તાનને આતંકવાદ સામે પગલાં લેવામાં તેમજ એન્ટી મની લોન્ડરિંગમાં નિષ્ફળ જવાથી ગ્રે લિસ્ટમાં મૂક્યું હતું. એફએટીએફએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદનું આર્થિક સમર્થન રોકવામાં સંપૂર્ણ રીતે નિષ્ફ‌ળ ગયું છે. જેને પગલે તેને હાઈ-રિસ્ક શ્રેણીમાં રાખવામાં આવે છે.

એફએટીએફ દ્વારા અપાયેલી આ અંતિમ ચેતવણી તેના માટે ખતરાની ઘંટી સમાન છે. જો પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવામાં આવે છે તેનાથી વૈશ્વિક સ્તરે પાકિસ્તાન સંપૂર્ણ રીતે એકલું અટુલું પડી જશે. આની પ્રતિકૂળ અસર આઈએમએફ અને વર્લ્ડ બેન્ક પાસેથી મળનારી મદદ પર પણ પડી શકે છે.

પાકિસ્તાન સામે હવે ક્યો વિક્લ્પ બચ્યો છે?

તુર્કી દ્વારા કરાયેલી મદદથી એટલું સ્પષ્ટ છે કે કેટલાક દેશો તરફથી પાકિસ્તાનને મદદ મળવાનું ચાલુ રહેશે. જો કે તેમ છતા પાકિસ્તાન એફએટીએફના ગ્રે લિસ્ટમાં જ રહેશે. ગત સપ્તાહે કરાયેલી સમીક્ષામાં સ્પષ્ટ કરાયું છે કે એફએટીએફ દ્વારા ઈશ્યૂ કરાયેલા 27 પોઈન્ટમાંથી 25ને પુરા કરવામાં પાકિસ્તાન નિષ્ફળ ગયું છે. પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરાશે તો તેની સીધી અસર દેશના અર્થતંત્ર પર પડશે. આમ અગાઉથી દેવામાં ડૂબેલા પાકિસ્તાનને અન્ય દેશો પાસેથી આકરી શરતો સાથે ઋણ મેળવવા હાથ ફેલાવવા પડી શકે છે.