ગુજરાતમાં સોમવારે બનાસકાંઠાના વાવ તાલુકાના દેથળી ગામે એક સાથે ચાર યુવતીએ સામૂહિક આપઘાત કરતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. બે યુવતીઓએ બીમારીના કારણે કેનાલમાં કૂદકો લગાવ્યા બાદ તેની બે મિત્ર યુવતીએ પણ તેમની સાથે મોતનો કૂદકો લગાવ્યો હતો. આ ઘટનાની વિગત એવી છે કે, બનાસકાંઠાના વાવ તાલુકાના દેથળી ગામ પાસેની નર્મદાની કેનાલમાં મીનાક્ષી ઠાકોર (ઉ.વ. 20), જમના ઠાકોર (ઉ.વ. 20), શીલા ઠાકોર (ઉ.વ. 18) અને હકીબેન ઠાકોર (ઉ.વ. 16) એમ ચારેય સખીએ કેનાલમાં કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવતીઓમાં ત્રણ પરણિત અને એક યુવતી અપરણિત હોવાનું બહાર આવ્યું છે. કેનાલ પાસેથી ચંપલ અને સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. સ્યૂસાઇડ નોટમાં લખ્યા મુજબ બે યુવતીએ બીમારીને કારણે આત્મહત્યા કરી છે. જ્યારે બે યુવતીઓએ તેની બહેનપણીના વિરહમાં આપઘાત કરી લીધો છે.

