કાશ્મીર પ્રવાસ પર આવશે 28 યૂરોપીયન સંસદ, કલમ 370 નાબુદ કર્યા બાદ પહેલો વિદેશ પ્રવાસ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

યૂરોપિયન સંસદનું પ્રતિનિધિમંડળ મંગળવારના રોજ જમ્મુ-કાશ્મીર પ્રવાસ પર આવી રહ્યું છે. 5 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી કોઈ વિદેશી પ્રતિનિધિમંડળનો આ પહેલો કાશ્મીર પ્રવાસ હશે. કલમ 370 હટાવ્યા બાદ દુનિયાભરમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. પાકિસ્તાન તરફથી આ મુદ્દાને વધારે પડતો વેગ આપવામાં આવી રહ્યો હતો. એવામાં આ ચર્ચાઓના વંટોળ વચ્ચે યૂરોપિયન પ્રતિનિધિમંડળનો આ પ્રવાસ ઘણો મહત્વનો સાબિત થશે.

જમ્મુ-કાશ્મીર આવનારા યૂરોપિયન સાંસદોમાં કુલ 28 સભ્યો હશે. તેઓ પ્રતિનિધિમંડળ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે પણ મુલાકાત કરશે. અત્યાર સુધી ભારત તરફથી કોઈ પણ વિદેશી પ્રતિનિધિમંડળને જમ્મુ-કાશ્મીર જવાની મંજૂરી આપવામાં નથી આવી. આ સાંસદ સભ્યોને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અઝિત ડોભાલે જમ્મુ-કાશ્મીર આવવા માટેનું આમંત્રણ પાઠવ્યું હતું. આ સમગ્ર પ્રવાસનું એક યૂરોપિયન એનજીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રતિનિધિમંડળના સભ્યોમાં મોટાભાગના ઈટાલિયન મેમ્બર્સ છે.

આ યૂરોપિયન સાંસદ સભ્યો જમ્મુ-કાશ્મીર આવીને જાતે જોવા ઈચ્છે છે કે જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ ખરેખર કેવી છે. પાકિસ્તાન તરફથી સંયુક્ત રાષ્ટ્ર, યૂરોપિયન સંસદમાં આ મામલાને ઉઠાવવામાં આવ્યો હતો.