300 ટેબ્લેટ-2690 ઈન્જેક્શન સાથે વડોદરામાંથી સૌથી વધુ ડ્રગ્સ ઝડપાયું, અમદાવાદ બીજા નંબરે

ગુજરાત મુખ્ય સમાચાર

આજે મળેલા વિધાનસભા સત્ર દરમિયાન દારૂ મામલે ચોંકાવનારા ખુલાસા થવાની સાથે સાથે રાજ્યમાં ચાલતી નશીલા પદાર્થોની હેરાફેરી અંગે પણ આંચકાજનક ખુલાસો થયો હતો. છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને વડોદરામાં મોટા નશીલો પદાર્થ ઝડપાયો છે. આ મામલે વડોદરા સૌથી વધુ ડ્રગ્સ સાથે પહેલા નંબર પર છે. વડોદરામાં 300 નંગ ડ્રગ્સ ટેબ્લેટ અને 2690 ડ્રગ્સના ઈન્જેક્શન ઝડપાયા છે. તેમજ ધારાસભ્ય ગ્યાસુદ્દીન આમ રાજ્ય ‘ઉડતા ગુજરાત’ બનવા તરફ જઈ રહ્યું છે.

તેમજ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભામાં પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું કે, અમદાવાદ જિલ્લા અને શહેરમાંથી છેલ્લા બે વર્ષમાં અફીણ, ગાંજો, ચરસ, ભાંગ,કોકેઈન, એમડી ડ્રગ્સ અને મેફીડીન જેવા નશીલા પદાર્થોનો રૂ. 7 કરોડ 27 લાખ 53 હજાર 945ની કિંમતનો અંદાજે 372 કિલો જથ્થો ઝડપાયો છે.

2017-18માં અમદાવાદમાંથી 1.450 ગ્રામ કોકેઈન અને 23 કિલો ચરસ ઝડપાયું
1 નવેમ્બર 2017થી 31 ઓક્ટોબર 2018 દરમિયાન વડોદરા શહેરમાંથી 2690 ડ્રગ્સના ઈન્જેક્શન, 25 ગ્રામ મેથોફેટામાઈન, 37 કિલો અને 120 ગ્રામ ગાંજો, માદક પાવડર 8 ગ્રામ, 173 ગ્રામ ચરસ અને 820 મિલિ ગ્રામ હેરોઈન પાવડર ઝડપાયો છે. જ્યારે અમદાવાદ શહેરમાંથી 35 કિલો અને 164 ગ્રામ ગાંજો, 23 કિલો અને 791 ગ્રામ ચરસ, 1 કિલો અને 450 ગ્રામ કોકેઈન તેમજ 0.06 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.

2018-19માં વડોદરામાંથી 3.20 કિલો ચરસ ઝડપાયું
1 નવેમ્બર, 2018થી 31મી ઓક્ટોબર, 2019 સુધીમાં વડોદરા શહેરમાંથી અનેક નશીલા દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાં 3.20 કિલો ચરસ, 300 નંગ ડ્રગ્સની ટેબલેટ, 23.30 કિલો ગાંજો, 1.683 કિલો અફીણ, 3.40 ગ્રામ હેરોઇન પાઉડર, 95 ગ્રામ મેથાફેટામાઇનનો સમાવેશ થાય છે. બીજી તરફ અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો 11.705 કિલો ચરસ, 0.600 ગ્રામ ભાંગ, 291.545 કિલો ગાંજો, 2.51 કિલો અફીણ, 1.469 કિલો MD ડ્રગ્સ અને 0.019 ગ્રામ મેથાફેટામાઇનનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે.