દેશમાં 70 વર્ષનું સૌથી મોટું આર્થિક સંકટ : રાજીવકુમારનો ઘટસ્ફોટ

મુખ્ય સમાચાર રાજકીય

દેશનું અર્થતંત્ર હાલ સંકટની સ્થિતિમાં હોવાનો ઘટસ્ફોટ સરકારના જ એક અધિકારીએ કર્યો છે જેને પગલે સરકારના દાવાઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. નીતી આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે દેશના અંર્થતંત્ર અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે દેશના અર્થતંત્રની સંકટ ભરી હાલની સ્થિતિ છેલ્લા ૭૦ વર્ષમાં ક્યારેય કોઇએ નથી જોઇ. રાજીવ કુમારના જણાવ્યા મુજબ નોટબંધી અને જીએસટી બાદ કેશ સંકટ વધ્યુ હતું. રાજીવના આ નિવેદનથી સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે.

રાજીવ કુમારે વધુમાં કહ્યું કે હાલ કોઇ કોઇ પર વિશ્વાસ નથી કરી રહ્યું, ખાનગી સેક્ટરની અંદર પણ લોન આપવા કોઇ તૈયાર નથી. હરકોઇ રોકડ દબાવીને બેઠુ છે. સાથે જ રાજીવે સરકારને લીકથી હટીને કેટલાક પગલા લેવાની સલાહ પણ આપી હતી. નોટબંધી અને જીએસટી બાદની સ્થિતિ બદલાઇ ગઇ છે. રાજીવે કહ્યું કે પહેલા આશરે ૩૫ ટકા કેશ ઉપલબ્ધ હતી, જે હાલ ઘણી જ ઓછી થઇ ગઇ છે. એક કાર્યક્રમમાં જાહેર મંચ પર બોલતી વેળાએ રાજીવે આ બધા જ ઘટસ્ફોટ કર્યા હતા.

સાથે હાલ બેંકોનું ભારણ વધ્યું છે તે અંગે જણાવતા રાજીવે સાથે કહ્યું કે ૨૦૧૪ બાદ એનપીએમાં વધારો થયો છે. તેથી નવી લોન આપવાની બેંકોની ક્ષમતા પણ ઘટી ગઇ છે. નીતી આયોગના જ વાઇસ ચેરમેનના અર્થતંત્ર અંગેના આ નિવેદનથી હવે વિપક્ષ પણ સક્રીય થઇ ગયો છે અને સરકારને ઘેરી છે.

વિવાદ વચ્ચે નીતી આયોગના વાઇસ ચેરમેને સ્પષ્ટતા કરી હતી અને કહ્યંુ હતું કે હું મીડિયાને વિનંતી કરૂ છું કે નિવેદનને ખોટી રીતે દેખાડવાનું બંધ કરે, અર્થતંત્રને ગતિ આપવા સરકાર કામ કરી રહી છે. નોંધનીય છે કે અગાઉ તેમણે કહ્યું હતું કે દેશમાં હાલ ૭૦ વર્ષમાં સૌથી મોટુ આર્થિક સંકટ છે. બાદમાં તેમણે કહ્યું કે મારા નિવેદનને મીડિયા ખોટી રીતે દેખાડવાનું બંધ કરે.

મૂડી’સે આર્થિક વિકાસ દરનો અંદાજ ઘટાડી ૬.૨૦ ટકા કર્યો

મૂડી’સ ઈન્વેસ્ટર સર્વિસે શુક્રવારે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ ૬.૮૦ ટકા પરથી ઘટાડી ૬.૨૦ ટકા કર્યો છે. ૨૦૨૦ના કેલેન્ડર વર્ષ માટે નિકાસ અંદાજ ઘટાડીને ૬.૭૦ ટકા કરાયો છે.

મંદ વૈશ્વિક અર્થતંત્રએ એશિયાની નિકાસ પર અસર કરી છે અને કામકાજના અનિશ્ચિત વાતાવરણે ઈન્વેસ્ટમેન્ટ પર દબાણ આણ્યું છે. વપરાશમાં ઘટાડા, ઓછા રોકાણ અને સર્વિસ ક્ષેત્રના નબળા દેખાવની અસર દેશના એકંદર આર્થિક વિકાસ દર પર જોવા મળી રહી છે.