રેલવે મંત્રી પીયૂષ ગોયેલે કહ્યું કે, ભારતીય રેલવેને 2030 સુધી દુનિયાની સૌથી શ્રેષ્ઠ રેલવે બનાવીશું. જેના માટે 50 લાખ કરોડ રૂપિયાના રોકાણની જરૂર પડશે, પરંતુ સરકાર એકલા તેને પુરુ નહીં કરી શકે. ઘણા ક્ષેત્રોમાં ખાનગીકરણની જરૂર પડશે. ગોયલ શનિવારે ભાજપના ગોવાના એકમના સભ્યપદ માટેના અભિયાનના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. તેમને કહ્યું કે, રેલવે ગોવા સુધી પહોંચી ગઈ છે. હવે તેનો વિકાસ કરીને પર્યટન માટે પણ અનુકુળ બનાવવામાં આવશે.
બજેટમાં આગામી 11-12 વર્ષોને ધ્યાનમાં રાખવામાં આવ્યા
ગોયલે કહ્યું કે, હું રેલવેના ખાનગીકરણની વાત નથી કરી રહ્યો, પરંતુ રોકાણ માટે રેલવેના ઘણા સેક્ટરોને ખાનગીકરણ માટે ખોલી શકાય છે. ખાનગી ક્ષેત્રે લાઈસન્સ ફીના બદલામાં આ ક્ષેત્રોમાં પોતાના રેલવેમાર્ગનું સંચાલન કરી શકે છે. રેલવે ટ્રાન્સપોર્ટનું એક મુખ્ય સાધન છે અને બજેટમાં તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ભવિષ્યના 11-12 વર્ષોને ધ્યાનમાં રાખતા બજેટમાં રેલવે માટે 50 લાખ કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
રેલ મંત્રીએ કહ્યું કે, રેલવે પર ભાર પડવાને કારણે યાત્રીઓ અને માલગાડીઓએ અસુવિધા અને અસુરક્ષાનો સામનો કરવો પડે છે. યાત્રીઓની સુરક્ષા અને રેલવે વિસ્તારને ધ્યાનમાં લેતા છેલ્લા પાંચ વર્ષોની તુલનામાં આ વર્ષે બમણું રોકાણ કરવાની યોજના બનાવવામાં આવી છે. આ રકમ 1.60 લાખ કરોડ રૂપિયાની આસપાસ છે. 2013-14માં આ 40થી 45 હજાર કરોડ હતી.
સરકાર એકલા હાથે 50 લાખ કરોડનું રોકાણ કરવામાં સક્ષમ નથીઃગોયલ- ગોયલના કહ્યાં પ્રમાણે, સરકાર એકલા હાથે 50 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં સક્ષમ નથી. જેના માટે અમારી યોજના આંતરરાષ્ટ્રીય ધોરણોની ટેકનીક, રોકાણ અને સાર્વજનિક-પ્રાઈવેટ ભાગીદાર અથવા ટીઓટી(ટોલ ઓપરેટર ટ્રાન્સફર) મોડેલને લાવવાની છે. અમે ફક્ત રેલવેનો વિકાસ ઈચ્છીએ છીએ, જેના માટે એક અલગ પ્રકારનું મોડલ અપનાવીશું.
ખાનગી કંપનીઓ પોતાની લાઈન લગાવી શકે છેઃ તેમને કહ્યું કે, એક યોજના હેઠળ ઘણા સેક્ટર એવા બની શકે છે જ્યાં ખાનગી કંપનીઓ પોતાની લાઈન લગાવી શકે છે. અમને કોઈ વાંધો નહીં હોય, તેઓ અમારી પાસેથી લાઈસન્સ લઈ શકે છે. રેલવે પોતાનો મહેસૂલ વધારવામાં સક્ષમ બનશે. જો આવું થશે તો રેલવે યાત્રીઓને શ્રેષ્ઠ સુવિધાઓ આપવામાં સફળ નિવડશે.