મેચ દરમિયાન ભારત વિરોધી મેસેજ સાથે ઉડ્યાં 3 પ્લેન, BCCIએ વિરોધ નોંધાવ્યો

ખેલ-જગત મુખ્ય સમાચાર

ભારત અને શ્રીલંકાની મેચમાં ભલે ભારતનો વિજય થયો હયો પરંતુ એક પછી એક ત્રણ પ્લેન જે રીતે ઉડીને ગયાં, તેનાથી ટીમ ઇંડિયાની સુરક્ષા સામે ગંભીર ચિંતા પેદા થઇ છે. આ ઘટનાને લઇને બીસીસીઆઇમાં પણ રોષ છે . શનિવારે હેડિંગ્લે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ ચાલુ હતી એ દરમિયાન એક પછી એક ત્રણ પ્લેન સ્ટેડિયમ પરથી પસાર થયાં જેમના પર ભારત વિરોધી બેનર લહેરાઇ રહ્યાં હતાં.

મેચની શરૂઆતની અમુક મિનિટમાંજ એક વિમાન ‘કાશ્મીર માટે ન્યાય’ ના મેસેજ સાથે ઉડ્યું. અડધા કલાક બાદ આ પ્રકારનું જ વિમાન આવ્યું જેના પર ‘ભારત નરસંહાર બંધ કરો, કાશ્મીરને આઝાદ કરો’ નું બેનર લહેરાઇ રહ્યું હતું.

ભારત જ્યારે લક્ષ્યાંકનો પીછો કરી રહ્યું હતું ત્યારે ત્રીજુ વિમાન આવ્યું જેમાં લખ્યું હતુ ‘ભારતમાં મૉબ લિંચીંગ બંધ કરવામાં આવે’. આ ઘટના બાદ બીસીસીઆઇએ આઇસીસી સમક્ષ આ મામલે લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાને ‘અસ્વીકાર્ય’ જણાવીને બીસીસીઆઇએ સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે.

બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઇને કહ્યું, ‘આ સમ્પૂર્ણ પણે અસ્વીકાર્ય છે. અમે આઇસીસીને લખ્યું છે અને હેડિંગ્લેમાં જે થયું તેને લઇને ચિંતા જાહેર કરી છે. જો સેમિફાઇનલમાં આ પ્રકારની કોઇ ઘટના થઇ તો તે દુર્ભાગ્યપૂર્ણ હશે. અમારા ખેલાડીઓની સુરક્ષા સર્વોચ્ચ છે. ‘

29 જૂનના આ જ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાયો હતો. આ દરમિયાન એક પ્લેન સ્ટેડિયમ પરથી પસાર થયું હતું જેમાં બલૂચિસ્તાન માટે ન્યાયના સંદેશ વાળું બેનર હતું. આ મેચ દરમિયાન બન્ને દેશના પ્રશંશકો આપસમાં ઝઘડી પડ્યા હતા. ત્યાંથી અમુક દર્શકોને સ્ટેડિયમની બહાર મોકલી દેવામાં આવ્યા હતા.

આ ઘટના બાદ આઇસીસીએ માન્ચેસ્ટર તથા બર્મિંઘમ પોલીસ સાથે વાતચીત કરી. પોલીસે ભરોસો આપ્યો છે કે આ બન્ને શહેરોના સ્ટેડિયની આસપાસના વિસ્તારને નો ફ્લાઇંગ ઝોન ઘોષિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ અને બર્મિંઘમના એજબસ્ટનમાં અનુક્રમે 9 અને 11 જુલાઇના સેમિ ફાઇનલ મેચ રમાવાના છે.