પશ્ચિમ બંગાળ: હિંસક રાજકીય યુદ્ધ દરમિયાન રાજ્યમાંથી 100થી વધારે દેશી બોમ્બ જપ્ત

મુખ્ય સમાચાર રાજકીય

રાજકીય હિંસા માટે કુખ્યાત પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાંથી પોલીસે 100થી વધારે દેશી બોમ્બનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે નવ લોકોની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે વિતેલા દસ દિવસોમાં મલ્હારપુર અને લાભપુર વિસ્તારમાં બે અલગ-અલગ જગ્યાઓ પર વિસ્ફોટ થયા હતા જે પછી બીરભૂમ જિલ્લામાં પોલીસ સક્રિય બનતા કાર્યવાહી કરી હતી.

આ પહેલા વર્ષ 2017માં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા જેમાં આઠ લોકોના મોત થયા હતા. પોલીસ તપાસમાં સમગ્ર મામલો રાજકીય જણાતો હતો.

દેશી બોમ્બ જપ્ત કરાયા મામલે પોલીસે જણાવ્યું હતું કે, અમે બીરભૂમના અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડી 100થી વધારે દેશી જીવંત બોમ્બ જપ્ત કર્યા હતા. જે હેઠળ આખી રાત કાર્યવાહી કરતા નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં ભાજપા અને ટીએમસી વચ્ચે હિંસક રાજકીય યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં બંને પાર્ટીના કાર્યકર્તાઓની નિર્મમ હત્યા અને રેલી દરમિયાન એકબીજા પર હુમલાના બનાવો બન્યા હતા. ચૂંટણી દરમિયાન અને પરિણામ પછી પણ રાજ્યમાં બંને પક્ષો વચ્ચે રાજકીય યુદ્ધે ગંભીર સ્થિતિ ઉભી કરી હતી. તાજેતરમાં મળી આવેલા દેશી બોમ્બના જથ્થાને પણ પોલીસ રાજકીય હિંસાને અંજામ આપવાના કાવતરા સમાન જોઇ રહી હોવાનું માનવામાં આવે છે.