એક સપ્ટેમ્બરથી ચીનની વસ્તુઓ પર વધુ ૩૦૦ અબજની ડોલરની વસ્તુઓ પર વધારાની દસ ટકા ડયુટી નાખવાની ટ્રમ્પની યોજનાના બદલામાં ચીને અમેરિકાની ૭૫ અબજ ડોલરની વસ્તુઓ પર ડયુટી વધારવાની જાહેરાત કરી છે.
ચીનની આજની જાહેરાતથી બંને દેશો વચ્ચેનો વેપાર યુદ્ધ વધુ ઘેરો બનશે. ચીનની સત્તાવાર ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર એક સપ્ટેમ્બરથી દસ ટકા અને ૧૫ ડિસેમ્બરથી પાંચ ટકા ડયુટી વધારવામાં આવશે. જો કે ચીન દ્વારા આ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી નથી.
વૈશ્વિક આૃર્થતંત્ર અત્યારથી જ મંદીમાં સપડાઇ ગયું છે ત્યારે ચીન દ્વારા કરવામાં આવેલી જાહેરાતથી કંપનીઓ અને રોકાણકારોની ચિંતામાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ચીને ચાલુ સપ્તાહમાં અમેરિકાને મંત્રણા દ્વારા વેપાર યુદ્ધ સમાપ્ત કરવાની અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે મે મહિનામાં ચીન સાથેની મંત્રણા નિષ્ફળ ગયા પછી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ચીનની વધુ ૩૦૦ અબજ ડોલરની વસ્તુઓ પર આાયાત ડયુટી વધારશે.
જો કે થોડાક દિવસ પહેલા અમેરિકાએ જાહેરાત કરી હતી કે ચીનની કેટલીક વસ્તુઓ પર દસ ટકા આયાત ડયુટી ૧ સપ્ટેમ્બરને બદલે ૧૫ ડિસેમ્બરથી વધારવામાં આવશે.
અમેરિકન વસ્તુઓ પર ડયુટી વધારવાની ચીનની જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતા ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કંપનીઓને ચીનમાં પોતાની વસ્તુઓના નિર્માણનો વિકલ્પ શોધવા જણાવ્યું છે. ટ્રમ્પે અમેરિકન કંપનીઓને પોતાની ઉત્પાદન નીતિમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો છે.
ટ્રમ્પે જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દાયકાઓથી ચીન અમેરિકામાંથી મોટા પાયે નાણા પોતાના દેશમાં લઇ જાય છે જે કોઇ પણ સંજોેગોમાં બંધ થવું જોઇએ. ટ્રમ્પે ટ્વિટર પર જણાવ્યું છે કે આપણી મહાન અમેરિકન કંપનીઓને ચીનનો વિકલ્પ શોધવાનો આદેશ આપું છું. તેમણે ચીન છોડીને અમેરિકામાં જ પોતાની વસ્તુઓનું ઉત્પાદન કરવું જોઇએ.