ધાંધિયાં / અમદાવાદમાં સફાઈ કર્મચારીઓનું કૌભાંડ ઝડપાયું, હાજરી પૂરીને સફાઈ કર્યા વિના થાય છે ઘરભેગા

ગુજરાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ‘ઉપરથી’ આદેશ આવે તે સમયે સ્વચ્છતા અભિયાન હાથ ધરાય છે તેવા સંજોગોમાં સાબરમતી નદીને સ્વચ્છ કરવી, જે તે વોર્ડમાં સ્વચ્છતા રાઉન્ડ લેવો, રા‌ત્રિ ખાણી-પીણી બજારને સુઘડ રાખવાં કે રસ્તાની રાત્રિ સફાઇ ઝુંબેશ વગેરે જોરશોરથી હાથ ધરાય છે, પરંતુ સામાન્ય દિવસોમાં રસ્તા પર સફાઇ નજરે પડતી નથી. શહેરના રસ્તા ચોખ્ખાચણાક નજરે પડતા નથી. તંત્રના જંગી પગાર લેતા સફાઇ કર્મચારીઓનાં ધાંધિયાંના કારણે શહેર ‘સ્વચ્છ’ દેખાતું નથી.

આમ તો કેન્દ્રના સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનમાં અમદાવાદને સ્વચ્છ શહેર બતાવવા મ્યુનિસિપલ તિજોરીમાંથી કરોડો રૂપિયાનું આંધણ કરાયું છે. છેક વર્ષ 2016થી સ્વચ્છ અમદાવાદનું અભિયાન કેન્દ્ર સરકારની સૂચનાથી ચાલી રહ્યું છે. હવે સ્વચ્છતા સર્વેક્ષણ-2020ની તૈયારી જોરશોરથી ચાલી રહી છે.

જોકે મધ્યપ્રદેશના ઉજ્જૈન જેવા દેશના સૌથી સ્વચ્છ શહેરની તુલનામાં તો અમદાવાદ કદાચ ક્યારેય નહીં આવી શકે, પરંતુ રસ્તાની નિયમિત સફાઇ જેવા સફાઇના સામાન્ય માપદંડ પણ જળવાતા નથી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનના કારણે રસ્તાની સફાઇ સોંપાઇ છે, પરંતુ તેમાં કોઇ અસરકારતા જણાઇ નથી.

સિનિયોરિટીના આધારે દર મહિને રૂ.20થી 45 હજાર સુધીનો પગાર ચૂકવાય છે

તંત્રના આશરે 14 હજાર સફાઇ કર્મચારી હોઇ આ સફાઇ કર્મચારીને તેમની સિનિયોરિટીના આધારે દર મહિને રૂ.20થી 45 હજાર સુધીનો પગાર ચૂકવાય છે, પરંતુ સફાઇ કર્મચારીઓના યુનિયનનું ખાસ્સું એવું વર્ચસ્વ હોઇ અનેક સફાઇ કર્મચારીઓ હાજરી પૂરીને ઘર ભેગા થાય છે. અગાઉ એસીબીની રેડમાં રૂ.2 હજાર લઇને હાજરી પૂરવાનું કૌભાંડ ઝડપાયું હતું. સફાઇ કર્મચારીઓએ સવારના 6:20 થી 11:30 વાગ્યા સુધી અને સાંજના 3થી 6 વાગ્યા સુધી એમ કુલ આઠ કલાક ફરજ બજાવવાની હોય છે. ખાસ તો મધ્ય ઝોનમાં ‘બીટ’ના પણ પારાવાર પ્રશ્ન છે.