રાષ્ટ્રીય વસ્તી પત્રકમાં સુધારણાને કેબિનેટની લીલીઝંડી, રૂ. 8,500 કરોડ ફાળવ્યા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટ બેઠકમાં રાષ્ટ્રીય વસ્તી પત્રકને અપડેટ કરવાની મંજૂરી આપી દીધી છે. મંગળવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેને પગલે દેશભરમાં નાગરિકોની માહિતીનું પત્રક તૈયાર કરાશે. જો કે આ પત્રક નાગરિકતાનું પ્રમાણ ગણાશે નહીં. તેનો ઉપયોગ સરકાર પોતાની યોજનાઓને લાગુ કરવા માટે કરી રહી છે. કેબિનેટે એનપીઆર અને રાષ્ટ્રિય વસ્તિગણતરી માટે બજેટ ફાળવણીને પણ મંજૂરી આપી દીધી છે. કેન્દ્રે એનપીઆર અપડેટ કરવા પાછળ  8,500 કરોડનું બજેટ ફાળવ્યું છે અને તેની કામગીરી આગામી એપ્રિલ માસથી શરૂ થશે તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.

શું છે NPR ?

રાષ્ટ્રીય વસ્તી પત્રક (NPR) અંતર્ગત 1 એપ્રિલ 2020થી 30 સપ્ટેમ્બર 2020 સુધી નાગરિકોનો ડેટાબેઝ તૈયાર કરવા માટે દેશભરમાં ઘરે-ઘરે જઈને વસ્તી ગણતરી પણ હાથ ધરાશે. દેશના સામાન્ય નિવાસીઓની વ્યાપક ઓળખનો ડેટાબેઝ તૈયાર કરવાનો એનપીઆરનું મુખ્ય લ્ક્ષ્ય છે. આ ડેટામાં વસ્તીના આંકડા ઉપરાંત બાયોમેટ્રિક વિગતો પણ હશે. જેમાં વ્યક્તિનું નામ, સરનામું, શિક્ષણ, રોજગારની વિગત વગેરે માહિતીની નોંધણી કરાશે. એનપીઆરમાં રહેલી માહિતી લોકો દ્વારા સ્વયં અપાયેલી માહિતી પર આધારિત હશે અને તે નાગરકિતાનું પ્રમાણ ગણાશે નહીં.

NRCથી કેવી રીતે અલગ છે ?
એનપીઆર અને એનઆરસીમાં તફાવત છે. એનઆરસી પાછળ દેશમાં ગેરકાયદે છૂપાયેલા ઘૂસણખોરોની ઓળખ કરવાનો ઉદ્દેશ છે. જ્યારે છ મહિના અથવા તેથી વધુ સમયથી સ્થાનિક ક્ષેત્રમાં રહેતા કોઈપણ વ્યક્તિની એનપીઆરમાં ચોક્કસથી નોંધણી કરવાની રહેશે.

બહારથી દેશમાં આવેલું કોઈ વ્યક્તિ દેશના કોઈપણ ભાગમાં છ મહિનાથી વસવાટ કરી રહ્યું હોય તો તેની નોંધણી પણ એનપીઆરમાં કરવાની રહેશે. એનપીઆર મારફતે બોયમેટ્રિક ડેટા એકત્ર કરીને સરકારી યોજનાઓની પહોંચ મૂળ લાભાર્થીઓ સુધી પહોંચાડાવનો ઉદ્દેશ છે.

યુપીએ સરકારની હતી આ યોજના

વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારે 2010માં એનપીઆર તૈયાર કરવાની પહેલ કરી હતી. ત્યારે 2011માં થયેલી વસ્તીગણતરી પૂર્વે આના પર કામ શરૂ થયું હતું. 2021માં હવે ફરીથી વસ્તીગણતરી થવાની છે જેથી એનપીઆર પર પણ કામ શરૂ થઈ રહ્યું છે.