મારુતિના પૂર્વ એમડી જગદીશ ખટ્ટર સામે રૂ. 110 કરોડના કૌભાંડ બદલ સીબીઆઈએ કેસ કર્યો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

મારુતિના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર જગદીશ ખટ્ટર વિરુદ્ધ સીબીઆઈએ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. સીબીઆઈ અધિકારીઓએ મંગળવારે આ અંગે માહિતી આપી હતી. સીબીઆઈએ દાખલ કરેલી એફઆઈઆર મુજબ ખટ્ટર તેમજ તેમની કંપની કારનેશન ઓટો ઈન્ડિયા રૂ. 110 કરોડના લોન કૌભાંડમાં આરોપી છે.

2015માં કંપનીની લોન એનપીએ જાહેર થઈ હતી

ખટ્ટર 1993થી 2007 સુધી મારુતિમાં રહ્યા હતા. 2007માં એમડી પદેથી નિવૃત થયા હતા. 2008માં તેમણે કારનેશનની શરૂઆત કરી હતી. આ કંપની કાર એક્સેસરીઝ અને જૂની કારની લેવેચનું કામકાજ કરે છે. 2009માં પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) પાસેથી 170 કરોડની લોન લીધી હતી. 2015માં લોન એનપીએ જાહેર થઈ હતી. જેનાથી પીએનબીને 110 કરોડનું નુકસાન થયું હતું. આ કેસમાં પીએનબીએ ગુનાઈત ષડયંત્ર અને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. સીબીઆઈએ આઈપીસીની વિવિધ કલમો હેઠળ ખટ્ટર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

સીબીઆઈના આક્ષેપ મુજબ ખટ્ટર તેમજ તેની કંપનીએ બેન્કની પૂર્વ મંજૂરી વગર હાઈપોથિકેટેડ માલસામાનનું વેચાણ કર્યું હતું અને એકત્ર કરાયેલા ફંડને અન્ય સ્થળે ડાયવર્ટ કર્યું હતું. બેન્ક દ્વારા કરાયેલા ફોરેન્સિક ઓડિટમાં જણાયું હતું કે રૂ. 66.92 કરોડની સ્થાવર મિલકતનું વેચાણ ફક્ત રૂ. 4.55 કરોડમાં કરાયું હતું. આ ઉપરાંત ખટ્ટર વેચાણથી મળેલી રકમ બેન્કમાં જમા કરાવી નહતી અને તેનો દુરૂપયોગ કરીને ગુનાઈત વિશ્વાસઘાત કર્યો હતો.