શીત લહેર: દિલ્હીમાં પારો બે ડિગ્રી, યૂપીમાં 57 મોત, છ રાજ્યોમાં રેડ એલર્ટ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ઉત્તર ભારતના ઉપરી વિસ્તારોમાં ભારે સ્નોફોલ, ઠંડી પવનો અને ભારે ધુમ્મસને કારણે રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત ભયાનક ઠંડીથી ધ્રુજી ઉઠ્યું છે. શનિવારે દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશથી લઇને કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખના દ્રાસ અને જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સુધી હાડ થીજાવતી શીત લહેરે જીનજીવન થંભાવી દીધુ છે.

ઠંડીનો પારો રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. દિલ્હીના સરાય કાલે ખાન વિસ્તારમાં સવારે તાપમાન ઘટીને 2.0 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. ડિસેમ્બરમાં આ સિઝનનું સૌથી નીચુ તાપમાન છે. ઠંડીમાં ઠુંઠવાયેલી દિલ્હીને જોતા હવામાન ખાતાએ દિલ્હી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ યૂપીના કાનપુરમાં બે ડિગ્રી અને લદાખના દ્રાસમાં પારો માઇનસ 28.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશના હિલ સ્ટેશન પચમઢીમાં તાપમાન 1.2 ડિગ્રીએ પહોંચ્યું છે જ્યારે રાજસ્થાનના શેખાવટીમાં માઇનસ 4 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

રેકોર્ડ બ્રેક ઠંડીને જોતા ઉત્તર ભારતના છ રાજ્યો જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઠંડીને કારણે હિમાચલનું કિન્નોર ઝરણું જામી ગયું છે. 

દિલ્હી સતત પંદરમાં દિવસે પણ ઠંડીથી ધ્રુજી રહી છે. 1901 પછી સૌથી વધારે ઠંડી આ ડિસેમ્બરમાં નોધવામાં આવી હતી. રાજસ્થાનના સિકરમાં પણ તાપમાન માઇનસ 1 ડિગ્રી પહોંચ્યું હતું. માઉન્ટ આબુમાં પણ માઇનસ 1.5 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું. અહીં સુધી કે ઠંડીને કારણે સવારે અહીં મકાનો, ગાડીઓ, ખેતરો પર બરફની પાતળી પરત છવાઇ જાય છે. 

યૂપીમાં હાડ થીજાવતી ઠંડીથી અલગ-અલગ જીલ્લાઓમાં અત્યાર સુધી 57 લોકોના મોત થઇ ચૂક્યા છે.   

ઠંડીની પ્રતિકૂળ અસર પ્રકૃત્તિ પર પણ જોવા મળી રહી છે. ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં શીત લહેરના કારણે પક્ષીઓ ઠુંઠવાઇને મરી રહ્યા છે. આ એવા વિસ્તારો છે જ્યાં વૃક્ષોની માત્રા ઘટી હતી જેથી ઠંડી સામે પક્ષીઓને રક્ષણ નથી મળી રહ્યું.