ભારે દેવા હેઠળ દબાયેલી સરકારી એર લાઇન કંપની એર ઇન્ડિયા હવે બંધ થવાના આરે છે. એર લાઇન્સના એક ઉચ્ચ અધિકારી મુજબ આગામી છ મહિના દરમિયાન એર ઇન્ડિયા માટે કોઇ ખરીદદાર નહી મળે તો તેને બંધ કરવી પડશે. તેમના મુજબ નાની રકમની મદદથી હવે એર ઇન્ડિયાનું સંચાલન કરવું મુશ્કેલ બની ગયું છે.
એર ઇન્ડિયા હાલમાં 60 હજાર કરોડ રુપિયાના દેવા હેઠળ છે અને સરકાર તેના વિલીનીકરણની તૈયારીમાં છે. સરકાર પહેલેથી જ તેના સંચાલનને લઇને જાહેરાત કરી ચૂકી છે કે એર ઇન્ડિયાને ચલાવવા માટે વધારે ફંડ આપી નહીં શકે. પરંતુ કંપની તેના અત્યારના સંચાલન માટે નાની રકમની મદદ લઇ રહી છે.
સરકારી આંકડા મુજબ નાણાકીય વર્ષ 2011-12થી લઇને અત્યાર સુધી એર ઇન્ડિયાને 30,520.21 કરોડ રુપિયાનું ફંડ આપવામાં આવ્યું છે. વર્ષ 2012માં પણ યૂપીએ સરકારના કાર્યકાળમાં એર ઇન્ડિયાને 10 વર્ષના ગાળામાં 30 હજાર કરોડ રુપિયા ફંડ તરીકે આપવાની વાત કરવામાં આવી હતી.
અધિકારી મુજહ એર લાઇને સોવરન ગેરન્ટી ફંડ દ્વારા 2400 કરોડ રુપિયા મેળવવાની માંગ કરી હતી જેથી સંચાલન ખર્ચને મેનેજ કરી શકાય. પરંતુ સરકારે 500 કરોડ રિુપિયાની જ મંજૂરી આપી હતી.
હવે પરિસ્થિતિ એવી છે કે ચાલુ વર્ષના ચોથા ત્રિમાસિકમાં એર ઇન્ડિયા તેની ભાગીદારીના વેચાણ માટે જાહેરાત કરી શકે છે. અધિકારી મુજબ ખરીરદાર મળ્યા પછી પણ લેવડ-દેવડ પૂરી કરવામાં છ મહિનાનો સમય લાગી જશે. પરંતુ આર્થિક સ્થિતિને જોતા સરકારે ખરીદદાર મળવાની આશા નહિવત દર્શાવી છે. અર્થાત આગામી છ મહિનામાં એર ઇન્ડિયા પૂર્ણ રીતે બંધ થાય એવી સંભાવનાઓ છે.

