45 બોલમાં 48 રનની જરૂર હતી, 7 વિકેટ હાથમાં હતી તેમ છતાં ન્યૂઝીલેન્ડ 7 રને હાર્યું, ભારતે 5-0થી વ્હાઇટવોશ કર્યો

ખેલ-જગત મુખ્ય સમાચાર

ભારતે માઉન્ટ મૉનગાનુઈ ખાતેની અંતિમ T-20માં ન્યૂઝીલેન્ડને 7 રને હરાવી 5-0થી સીરિઝ પોતાના નામે કરી છે. આ સાથે ભારત 5 T-20 સીરીઝમાં ક્લીન સ્વીપ કરનાર પહેલો દેશ બન્યો છે. 164 રનનો પીછો કરતા કિવિઝ 20 ઓવરમાં 9 વિકેટે 156 રન કરી શક્યું હતું. રોસ ટેલર(53) અને ટિમ સેઈફર્ટે(50) ફિફટી મારી હતી, જોકે તેમનો પ્રયાસ ફિનિશિંગ લાઈન ક્રોસ કરાવવા પૂરતો નહોતો. શિવમ દુબેએ નાખેલી 10મી ઓવરમાં 34 રન ફટકાર્યા હતા. પ્રથમ ચાર બોલમાં સેઈફર્ટે 6,6,4,1 રન લીધા, જ્યારે પાંચમો બોલ નો-બોલ હતો જેમાં ટેલરે ફોર અને પછી બાકીના બંને બોલમાં સિક્સ ફટકારી હતી. જોકે તેમ છતાં તેમના આઉટ થયા બાદ ફરી એકવાર કિવિઝનો ધબડકો થયો હતો.

45 બોલમાં 48 રનની જરૂર હતી, 7 વિકેટ હાથમાં હતી અને કિવિઝે બાજી ગુમાવી

ટેલર અને સેઈફર્ટની જોડીએ ચોથી વિકેટ માટે 99 રન ઉમેર્યા હતા. રનચેઝ દરમિયાન કિવિઝને 45 બોલમાં 48 રનની જરૂર હતી અને કિવિઝ આરામથી મેચ જીતી જશે તેમ જણાતું હતું. જોકે તે પછી કિવિઝનો ધબડકો થયો હતો. સૈનીએ સેઈફર્ટને 50 રને પેવેલિયન ભેગો કર્યો હતો. તેની વિકેટ સહિત યજમાન ટીમે 25 રનમાં 6 વિકેટ ગુમાવી હતી. ભારત માટે જસપ્રીત બુમરાહે 3, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુરે 2, જ્યારે સુંદરે 1 વિકેટ લીધી હતી.