વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મંગળવારે ન્યૂયોર્કમાં બેઠક થઈ. ત્યાર પછી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પને સવાલ કરાયો કે, આતંકીઓને તાલીમ આપવાની વાત કબૂલી ચૂકેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને શું સંદેશ આપવા માંગશો? આ મુદ્દે ટ્રમ્પે કહ્યું કે, એ સંદેશ મારે નહીં, પરંતુ વડાપ્રધાન મોદીએ આપવાનો છે. તેઓ સ્થિતિ સંભાળી લેશે.
મોદી અને ઈમરાન કાશ્મીર મુદ્દે કંઈક કરી શકે છે, તો એ બહુ સારું હશે
નોંધનીય છે કે, રવિવારે હાઉડી મોદી કાર્યક્રમના મંચ પરથી ટ્રમ્પે કહ્યું કે, ઈસ્લામિક આતંકવાદ દુનિયા માટે ખતરો છે. આ ટિપ્પણીને લઈને ટ્રમ્પને પાકિસ્તાનને લઈને સવાલ પૂછતા તેમણે કહ્યું કે, ‘જો વડાપ્રધાન મોદી અને ઈમરાન ખાન કાશ્મીર મુદ્દે કંઈક કરી શકે છે, તો એ બહુ સારું હશે.’ એક દિવસ પહેલા સુધી મધ્યસ્થી માટે તૈયાર ટ્રમ્પે મોદી સામે આ મુદ્દાથી અંતર રાખ્યું હતું. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ હાઉડી મોદીમાં આવવા બદલ ટ્રમ્પનો આભાર માનતા કહ્યું કે, ટ્રમ્પ સાથેની બેઠક સફળ રહી. અમેરિકા ભારતનું મિત્ર છે. આ દોસ્તી સમાન મૂલ્યો પર આધારિત છે. મોદી અને ટ્રમ્પની આ ત્રણ દિવસમાં બીજી મુલાકાત હતી.
ભારત સાથે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ: ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું કે, ટૂંક સમયમાં ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થશે. બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકર, કેન્દ્રિય વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલ, વિદેશ સચિવ વિજય ગોખલે અને અન્ય વરિષ્ઠ અધિકારી હાજર હતા, જ્યારે અમેરિકન પ્રતિનિધિમંડળમાં મંત્રી એમ. પોમ્પિયો અને અન્ય હાજર હતા.
મોદી રોક સ્ટાર એલ્વિસ પ્રિસલી જેવા: ટ્રમ્પ
હાઉડી મોદી કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાથી અભિભૂત થઈને ટ્રમ્પે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં તેમના ભરપૂર વખાણ કર્યા હતા. ટ્રમ્પે મોદીને ફાધર ઓફ ઈન્ડિયા બિરુદ આપીને કહ્યું કે, ભારતીયો તેમના માટે પાગલ છે. તેઓ રોક સ્ટાર એલ્વિસ પ્રિસલી જેવા છે.