ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવતી આ ઘટનામાં અલ્પેશ ઠાકોર સાથે તેમના પ્રખર ટેકેદાર બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિતના અન્ય ધારાસભ્યો પણ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ અને ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાય તેવી પૂરી શક્યતા છે. અલ્પેશ ઠાકોર બુધવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ભાજપનો ભગવો ધારણ કરશે.
કોંગ્રેસમાં છેલ્લા કેટલાયે સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયેલાં અલ્પેશ ઠાકોર અંગે મંગળવારે મોડી સાંજે અમદાવાદ નજીકના એક ફાર્મ હાઉસમાં ઠાકોર સેનાની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોર કમિટીએ સર્વાનુમતે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ સાથે છેડો ફાડવા માટે અલ્ટિમેટમ આપતી જાહેરાત કરી હતી.
અલબત્ત, રાજીનામા અંગે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમના મોબાઈલ સ્વીચઓફ મળ્યા હતા. દરમિયાન કોર કમિટીની જાહેરાત મુજબ અલ્પેશ ઠાકોર ધારાસભ્ય અને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવાનું જણાવી દેવાયું છે. જો કે, કોર કમિટીના સભ્યોએ ઠાકોરના ભાજપ પ્રવેશ અંગે કંઈ કહેવાનો ઈનકાર કર્યો હતો, પરંતુ રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બુધવારે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે, ત્યાર તેમની હાજરીમાં ઠાકોર તેમના ટેકેદાર ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈ જશે.

