મુંબઈ: ચૂંટણીને લીધે દસમા-બારમાનાં પરિણામ મોડાં જાહેર થઈ શકે

રાજકીય શૈક્ષણિક

દસમા અને બારમા ધોરણની પરીક્ષાના એક્ઝામિનર, મૉડરેટરોના માથે પરીક્ષાનું કામ હોવા છતાં ૨૯ માર્ચે મુંબઈમાં થનારી લોકસભા ચૂંટણીના કામનો વધારાનો ભાર પણ આપ્યો હોવાથી તેઓ માનસિક અસ્વસ્થતાનો અનુભવ કરી રહ્યા હોવાનું તેમનું કહેવું છે. તેમ જ ચૂંટણીના કામમાં વ્યસ્ત થવાથી એના પરિણામે દસમા અને બારમા ધોરણનાં પરીક્ષા પરિણામ મોડાં જાહેર થાય એેવી પણ શક્યતા છે. ઉલ્લેખનીય છે કે એક્ઝામિનર, મૉડરેટરોને ચૂંટણીના કામથી દૂર રાખવા માટે અનેક વિનંતી કરાઈ હોવા છતાં ચૂંટણી કમિશનર દ્વારા આ મામલે દરમ્યાનગીરી ન કરવામાં આવી હોવાથી ટીચરો નારાજ છે.

દસમા-બારમા ધોરણની પરીક્ષાનાં પરિણામ સમયસર આવશે કે નહીં એ વિશે પણ પ્રશ્ન ઊભો થશે એમ કહેતાં રાજેશ પંડ્યા કહે છે કે ‘કોર્ટના આદેશ અનુસાર બોર્ડનાં પરિણામોને જૂનના પહેલા કે બીજા અઠવાડિયામાં ડિક્લેર કરવા તાકીદ કરી છે. બોર્ડનાં પેપર તપાસ કરવા શાંતિમય વાતાવરણ અને સમય જોઈતાં હોય છે, પરંતુ હાલમાં શિક્ષકો કામમાં ગૂંચવાયેલા હોવાથી પેપરનું કામ કરે કે ચૂંટણીનું એ સમજાતું નથી. ચૂંટણી અધિકારીઓને રજૂઆત કરતાં કોઈ ધ્યાન આપી રહ્યું નથી અને સ્ટાફની જરૂર છે એમ કહેવાય છે. કોઈ રાહત મળી રહી ન હોવાથી શિક્ષકોને ભાષાનાં બસોથી ૨૫૦ પેપર અને ગણિતનાં, વિજ્ઞાન અને સોશ્યલ સ્ટડી જેવા વિષયોનાં ૩૦૦થી ૩૫૦ પેપરો પણ તપાસ કરવાનું કામ માથે આવી પડ્યું છે. ફક્ત બોર્ડનું કામ ન કરતાં સ્કૂલનો અભ્યાસ પૂરો કરી વાર્ષિક પરીક્ષા લેવી અને સમયસર પરિણામ આપવાનું છે. આ પરિણામ પણ ૩૦ એપ્રિલ પહેલાં આપવાનું હોવાથી શિક્ષકો વધુ મૂંઝવણમાં પડ્યા છે.’