મોટેરામાં બપોરે કેમ છો ટ્રમ્પ, સાંજે આશ્રમમાં ગાંધીદર્શન… ટ્રમ્પ ક્યારે આવશે, શું કરશે, ક્યાં જશે, શું જોશે…

ગુજરાત દેશ-વિદેશ મુખ્ય સમાચાર

24થી 27 ફેબ્રુઆરી વચ્ચે થશે ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રવાસ, મોટેરામાં દિવસમાં યોજાશે ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમ, મોટેરામાં એક લાખ લોકો એકત્ર કરવાનું લક્ષ્ય, તેમાં વિદ્યાર્થીઓ, બિઝનેસમેન, NRI જેવા ટ્રમ્પના ફોલોઅર્સને બોલાવાશે. ગાંધી અને સરદારની ઝાંખી દર્શાવાશે. ગરબાથી લઈ કુચીપુડી, ભરતનાટ્યમ, ભાંગડા જેવા સાંસ્કૃતિક નૃત્ય અને કાર્યક્રમની ઝલક દર્શાવાશે.
ઈન્ટરનેશનલ પ્રોટોકોલ મુજબ ટ્રમ્પ માટે હોટલ બુકિંગની પ્રક્રિયા પણ શરૂ કરાઈ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ વિઝિટ ફાઈનલ થઈ છે. ટ્રમ્પ હાઉસથી લીલી ઝંડી મળી છે. આગામી 24 થી 27 ફેબ્રુઆરી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ અમદાવાદ આવશે. મોટેરા ખાતે નવા બનેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં બન્ને મહાનુભવો હાજર રહેશે અને એક લાખની જનમેદનીને સંબોધન કરશે. મોટેરા સ્ટેડિયમ ઉપરાંત સાબરમતી ખાતેના ગાંધી આશ્રમની પણ બન્ને મહાનુભવો મુલાકાત લેશે. મોટેરા સ્ટેડિયમનો કાર્યક્રમ દિવસનો નક્કી કરવામાં આવી રહ્યો છે. ઈન્ટરનેશનલ પ્રોટોકોલ મુજબ ટ્રમ્પ માટે હોટલ બુકિંગની પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે. એરપોર્ટ ખાતેની તાજ ઉમેદ અથવા વસ્ત્રાપુરની હયાત હોટલ આખેઆખી બુક કરાવાશે તેમ સત્તાવાર સૂત્રોનું કહેવું છે.
મોદી અને ટ્રમ્પ સાબરમતી ગાંધી આશ્રમ ખાતેથી જ સાબરમતી રિવરફ્રન્ટ નિહાળશે
મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પ આવવાના હોવાથી અહીં બે હેલિપેડ પણ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. રોડ માર્ગે તેઓ ન આવે તો એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે મોટેરા સ્ટેડિયમ ખાતે આવશે. અહીં એક કલાકથી વધુ સમયનો કાર્યક્રમ નક્કી કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ પૂરો કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ બંન્ને સાબરમતી ગાંધી આશ્રમ ખાતે જશે. અને અહીંના પાછળના ભાગેથી જ સાબરમતી રિવરફ્રન્ટ પણ નિહાળશે. એક લાખથી વધુ જનમેદની સ્ટેડયિમમાં ઉપસ્થિત રહે તેવુ આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું અધિકારીઓનું કહેવુ છે. પણ આ મેદનીમાં પણ ટ્રમ્પના ફોલોઅર્સનું ખાસ ધ્યાન રાખવા માટે તાકીદ કરાઈ છે. જેના કારણે વેપારીઓ ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓને લાવવામાં આવશે તેવુ પ્રાથમિક તબક્કે અનુમાન છે.
ગરબાથી લઇ મણિપુરી નૃત્ય, ભાંગડાથી લઇને ભરતનાટ્યમની પ્રસ્તુતિ
ડોનાલ્ડ ટ્રમ્પના અભિવાદન માટે યોજાનારા ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક ઝાંખી મારફતે મહાત્મા ગાંધી અને સરદાર પટેલના જીવન કવન આધારિત નૃત્ય-સંગીત પ્રસ્તુતિ રજૂ કરાશે. વિદેશ મંત્રાલય તરફથી કરાયેલાં આ આયોજનમાં ગરબાથી લઇને મણિપુરી નૃત્ય અને ભાંગડાથી લઇને ભરતનાટ્યમ નૃત્યના વિવિધ કલાકાર અલગ અલગ મંચ પર એક ગીત પર રજૂ કરશે. આ ઉપરાંત બોલિવૂડના કલાકારો પણ પ્રસ્તુતિ કરશે.
કોરોના વાઈરસ અને ટ્રમ્પની મુલાકાતને લઇને સરકારી તંત્ર સાવચેત
પ્રેસિડેન્ટ ટ્રમ્પની મુલાકાત પૂર્વે જ ચીનથી ગુજરાત આવેલા કેટલાંક લોકો તથા રાજ્યમાં ધ્યાનમાં આવેલા કોરોના વાઇરસના ચેપના ત્રણ શંકાસ્પદ કિસ્સાને લઇને ગુજરાત સરકાર સાવચેત થઇ ગઇ છે. એક કિસ્સામાં તો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે પરંતુ બાકીના બે કેસને લઇને હજુ પણ દુવિધા છે. જો ગુજરાતમાં કોરોના વાઈરસનો કેસ નોંધાય તો ટ્રમ્પની ગુજરાત મુલાકાત સામે મોટું વિઘ્ન આવે તેમ મનાય છે.