કર્મચારી ભવિષ્ય નિધિ ભવન (EPFO)ના 6 કરોડ સબસ્ક્રાઈબર્સને કેન્દ્ર સરકાર ટુંક સમયમાં મોટી ગિફ્ટ આપી શકે છે. શ્રમ મંત્રાલય આ વાત પર વિચાર કરી રહ્યું છે કે પ્રોવિડન્ડ ફંડ ડિપોઝિટ પર વ્યાજ દરને 8.65 ટકા પર જ રાખવામાં આવે.
સૂત્રોએ એજન્સી પીટીઆઈને એ જાણકારી આપી છે કે, જો આવું બને તો, સીધી રીતે 6 કરોડ ઈપીએફઓ સબસ્ક્રાઈબર્સને ફાયદો મળશે.
CBTની બેઠકમાં થઈ શકે છે નિર્ણય
EPFO માટે નિર્ણય લેતી બોડી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ આ અઠવાડીએ 5 માર્ચે એક બેઠક કરશે. આ બેઠકમાં એમ્પલોઈ પ્રોવિડન્ડ ફંડ ડિપોઝિટ્સ પર મળતા વ્યાજ વિશે ચર્ચા થશે.
સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, નાણાકીય વર્ષ 2019-20માં ઈપીએફ ડિપોઝિટ પર વ્યાજ 8.65 ટકા જ રાખવામાં આવી શકે છે. મંત્રાલય પણ આ વ્યાજ દરમાં કોઈ ફેરફારના પક્ષમાં નથી.
તમને જણાવી દઈએ કે, આ પહેલા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે, ઈપીએફ પર મળતા વ્યાજદરને ઘટાડવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે, ઈપીએફ ડિપોઝિટ પર વ્યાજદરને 8.65 ટકાથી ઘટાડી 8.5 ટકા કરવામાં આવી શકે છે.
EPFOના ઈન્કમ પ્રોજેક્શન અનુમાન લગાવવું મુશ્કેલ
જોકે, સૂત્રોએ એ પણ કહ્યું કે, 5 માર્ચના રોજ થનારી સીબીટી બેઠકના એજન્ડાને હજુ નક્કી નથી કરવામાં આવ્યો. એવામાં ચાલુ નાણાકીય વર્ષ માટે ઈપીએફઓના કુલ ઈનકમ પ્રોજેક્શન વિશે અનુમાન લગાવવું મુશ્કેલ છે. આના આધાર પર નક્કી થશે કે, ઈપીએફ ડિપોઝિટ્સ પર વ્યાજદર શું રાખવામાં આવશે.
ક્યારે કેટલું રહ્યું ઈપીએફ વ્યાજ દર
નાણાકીય વર્ષ 2016-17 માટે ઈપીએફઓ સબસ્ક્રાઈબર્સ માટે વ્યાજ દર 8.65 ટકા, નાણાકીય વર્ષ 2017-18 માટે 8.55 ટકા રહ્યો હતો. નાણાકીય વર્ષ 2015-16 માટે આ 8.8 ટકા રહ્યો હતો. નાણાકીય વર્ષ 2013-14 અને નાણાકીય વર્ષ 2014-15માં 8.75 ટકા વ્યાજદર રહ્યા હતા.

