કશ્મીરના કિસ્તવાડમાં થયેલા ગોળીબારમાં બે જવાનોને ઇજા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

જમ્મુ કશ્મીરના કિસ્તવાડ શહેરની સેમિના કોલોનીમાં વૉટર ફિલ્ટરેશન પ્લાન્ટ પર ચોકી કરી રહેલા બે સિક્યોરિટી જવાન પર અજાણ્યા લોકોએ રવિવારે રાત્રે ગોળીબાર કરતાં બંને જવાનોને ઇજા થઇ હતી.

આ ગોળીબાર કરનારાનો હેતુ શો હતો એ સ્પષ્ટ થયું નહોતું પરંતુ આ ઘટના બનતાં સિક્યોરિટી દળોએ તરત આખા વિસ્તારને ઘેરી લીધો હતો. આતંકવાદીઓ પીવાના પાણીના આ ફિલ્ટરેશન પ્લાન્ટ સાથે ચેડાં કરવા માગતાં હોય એવી શંકા પણ વ્યક્ત કરાઇ હતી.

ઇજાગ્રસ્ત જવાનોને હૉસ્પિટલમાં સારવાર આપી રહેલા ડૉક્ટરોએ કહ્યું હતું કે બંને જવાનો ખતરાની બહાર છે.

અત્રે એ નોંધનીય છે કે છેલ્લા ત્રણ દાયકાથી આતંકવાદી પ્રવૃત્તિમાં સક્રિય એવા હિઝબુલ મુજાહિદ્દીનના નેતા જહાંગીર સરુરીનું મકાન સુનાર બાડી અને ટંગબાડીની વચ્ચે છે અને આ વિસ્તારમાં સેમિના કોલોનીમાં ફિલ્ટરેશન પ્લાન્ટ આવેલો છે. જમ્મુ કશ્મીરમાં આતંકવાદ શરૂ થતાંની સાથે જહાંગીર તરત હરકતમાં આવ્યો હતો અને આતંકવાદી હુમલાઓમાં અગ્રેસર હતો.