ભારતીય સમર્થકોએ સ્મિથનો હૂરિયો બોલાવ્યો તો કોહલીએ તેની માફી માંગી

ખેલ-જગત મુખ્ય સમાચાર

ભારતીય ક્રિકેટ ટીમનો સુકાની વિરાટ કોહલી ભલે પોતાના આક્રમક સ્વભાવ માટે જાણીતો હોય પરંતુ તે ખેલાડીઓનું સન્માન જળવાય તેનું પણ ધ્યાન રાખતો હોય છે. આવી જ એક ઘટના વર્લ્ડ કપમાં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં જોવા મળી હતી. મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર કેટલાક ભારતીય સમર્થકોએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટિવ સ્મિથ જ્યારે ડીપમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે તેનો હૂરિયો બોલાવ્યો હતો. ત્યારબા તેણે જ્યારે બેટિંગમાં આવ્યો ત્યારે પણ તેનો હૂરિયો બોલાવવામાં આવ્યો હતો. જોકે, કોહલીએ ભારતીય સમર્થકોના વર્તન બદલ સ્મિથની માફી માંગી હતી.

સ્મિથ જ્યારે બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે ભારતીય સમર્થકોએ ‘ચીટર-ચીટર’ની બૂમો પાડીને તેનો હૂરિયો બોલાવ્યો હતો. ત્યારે બેટિંગ કરી રહેલા કોહલીનું ધ્યાન તે તરફ ગયું હતું અને તે ત્યાં ધસી ગયો હતો. તેણે ઈશારાથી પ્રેક્ષકોને આવું ન કરવાનું કહેતા કહ્યું હતું કે તમારે સ્મિથ માટે તાળીઓ પાડવી જોઈએ. ત્યારબાદ સ્મિથ તેની પાસેથી પસાર થઈ રહ્યો તો ત્યારે બંનેએ હાથ મીલાવ્યા હતા.

બાદમાં સ્મિથ બેટિંગમાં આવ્યો ત્યારે સમર્થકોના અન્ય જૂથે પણ આવું જ કર્યું હતું ત્યારે પણ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા કોહલીએ તેમને ઈશારાથી આવું ન કરવાની વિનંતી કરી હતી. સ્મિથે 69 રનની ઈનિંગ્સ રમી હતી પરંતુ ભારતે 36 રનથી મેચ જીતી લીધી હતી.

મેચ પૂરી થયા બાદ આ ઘટના અંગે પૂછતા કોહલીએ કહ્યું હતું કે તે નથી ઈચ્છતો કે ભારતીય સમર્થકો સ્મિથનો હૂરિયો બોલાવી ખોટુ ઉદાહરણ રજૂ કરે. તેણે કહ્યું હતું કે સ્ટેડિયમમાં ભારતના ઘણા સમર્થકો હતા અને હું ન હતો ઈચ્છતો કે તેઓ ખોટુ ઉદાહરણ રજૂ કરે. મારા મતે હૂરિયો બોલાવાય તેવું સ્મિથે કંઈ કર્યું ન હતું અને તે ફક્ત ક્રિકેટ રમી રહ્યો હતો. તે ફક્ત તેનું કામ કરી રહ્યો હતો અને મને તેના માટે ઘણું ખરાબ લાગ્યું હતું કેમ કે જો મેં ખોટું કર્યા બાદ મારી ભૂલ સ્વીકારીને માફી માંગી લીધી હોત અને બાદમાં જો હું પુનરાગમન કરું અને મારો હૂરિયો બોલાવવામાં આવે તો મને ક્યારેય તે પસંદ પડે નહીં.

તેથી મને ઘણું ખરાબ લાગ્યું હતું અને મેં તેને કહ્યું હતું કે સમર્થકોના બદલે હું તારી માફી માંગુ છું. અગાઉની કેટલીક મેચોમાં પણ તેની સાથે આવું બન્યું હતું. મારા મતે તે અયોગ્ય છે, તેમ ભારતીય સુકાનીએ જણાવ્યું હતું. નોંધનીય છે કે ગત વર્ષે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગ કરવાના કારણે સ્મિથ અને ડેવિડ વોર્નર પર એક-એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

કોહલીએ કહ્યું હતું કે જે થયું છે તેને ઘણો સમય વિતી ગયો છે. ખેલાડીઓએ પુનરાગમન કર્યું છે અને તે પોતાની ટીમ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આઈપીએલ દરમિયાન પણ મેં આવું જોયું હતું. ભૂતકાળમાં અમારી વચ્ચે પણ તકરાર થઈ છે અને મેદાનમાં એકબીજા સાથે બોલાચાલી થઈ છે, પરંતુ કોઈ ખેલાડી જ્યારે પણ રમવા આવે અને તેની સાથે અયોગ્ય વર્તન કરવામાં આવે તે હું ઈચ્છતો નથી. જે થઈ ગયું તે થઈ ગયું અને તે તમામ લોકો જાણે છે. હવે તેઓ પાછા ફર્યા છે અને આકરી મહેનત કરીને ટીમની સફળતામાં યોગદાન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.