કેપ્ટન અમરિંદર સિંહે નવજોતસિંહ સિદ્ધૂનું મંત્રાલય બદલ્યું, આપ્યું ઉર્જા મંત્રાલય

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધૂ વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે. આ વિખવાદ વચ્ચે એક સમાચાર મળી રહ્યાં છે કે, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે નવજોત સિંહ સિદ્ધૂને હવે ઉર્જા મંત્રાલય સોંપી દીધું છે. પહેલા સિદ્ધૂ પાસે શહેરી વિકાસ અને પર્યટન મંત્રાલય હતું.

આ અગાઉ એકતરફ લોકસભાની ચૂંટણીમાં હારની જવાબદારી લેવા મુદ્દે રાજસ્થાન કોંગ્રેસમાં સર્જાયેલા વિવાદ બાદ પંજાબ કોંગ્રેસમાં પણ આ મુદ્દે વિવાદ હતો. પંજાબ સરકારમાં કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધૂએ કહ્યું હતુ કે, લોકસભા ચૂંટણીમાં હારની જવાબદારી માત્ર મારી નથી સૌની છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહની કેબિનેટ બેઠકમાં સામેલ નહી થવા પર સિદ્ધૂએ કહ્યું કે, તેઓ એકમાત્ર મંત્રી છે જેમના પર સરકારમાં કોઇ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી.

મીડિયા સાથેની વાતચીતમાં નવજોત સિંહ સિદ્ધૂએ કહ્યું કે, મને બે સીટોની જવાબદારી સોંપવામાં આવી હતી અને બંન્ને સીટો પર કોંગ્રેસ જીતી છે. ભઠિંડા સીટ પર મળેલી હાર માટે મને જવાબદાર ઠેરવવામાં આવે છે, પરંતુ આ આરોપ ખોટા છે. ઘણાં કેબિનેટ મંત્રી મારું રાજીનામું ઇચ્છે છે, કેપ્ટન સાહેબ પણ હાર માટે મને જવાબદાર માને છે, જ્યારે આ સૌની જવાબદારી છે.

તેમણે કહ્યું, મારા વિભાગને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. કોઇ પાસે બાબતોને સાચા પરિપ્રેક્ષ્યમાં જોવાની ક્ષમતા હોવી જોઇએ. મારો ફાયદો ઉઠાવવો જોઇએ નહી. હું એક કલાકાર છું, હું પંજાબના લોકો પ્રત્યે જવાબદાર છું.

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીમાં પંજાબમા કોંગ્રેસને 13 માંથી 8 સીટો મળી ભાજપ-અકાલી દળના 4 અને આમ આદમી પાર્ટીને 1 સીટ મળી તેના પર પંજાબ કોંગ્રેસમાં વિવાદ ઊભો થયો છે. શહેરી વિસ્તારમાં કોંગ્રેસને થયેલા નુંકસાન માટે કેપ્ટન અમરિંદર સિંહ સિદ્ધૂને જવાબદાર ઠેરવ્યા.