ઉત્તરપ્રદેશમાં 80 બેઠકો પરથી લોકસભાની ચૂંટણી લડશે કોંગ્રેસ

દેશ-વિદેશ રાજકીય

નવી દિલ્હી, તા. 13 જાન્યુઆરી 2019, રવિવાર

ઉત્તરપ્રદેશમાં સપા અને બસપાના ગઠબંધનની જાહેરાત બાદ કોંગ્રેસે પણ 80 સીટો પર પોતાના ઉમેદવારો ઉતારવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે લખનૌમાં પાર્ટીની મીટિંગ બાદ કોંગ્રેસની રણનીતિની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, આ વખતે કોંગ્રેસ ઉત્તરપ્રદેશમાં ચોંકાવનારા પરિણામ આપશે. ગઠબંધન વિશે તેમણે કહ્યું કે, અમે કોઇ ગઠબંધન તોડ્યું નથી.
ગઠબંધનનો રસ્તો ખુલ્લો રાખવા તરફ સંકેત કરતા આઝાદે કહ્યું કે, ભાજપને હરાવવાની લડતમાં જો કોઇ અમારી સાથે આવશે તો તેમનું સ્વાગત છે. અન્ય રાજ્યોમાં ક્ષેત્રીય દળો સાથે ગઠબંધનને લઇને વાતચીત ચાલી રહી છે. પરંતુ અમે કોઇને જબરદસ્તીથી સાથે રાખી શકીએ નહી.
કોંગ્રેસના ઉત્તરપ્રદેશના પ્રભારી ગુલામ નબી આઝાદે કહ્યું કે. તેમની પાર્ટી ઉત્તરપ્રદેશની તમામ 80 લોકસભા સીટો પરથી ચૂંટણી લડશે અને ભાજપને હરાવશે. તેમણે આશા વ્યક્ત કરી કે, કોંગ્રેસ વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં મળેલી સીટોથી બે ગણી સીટો જીતશે.