ડેન્ગ્યુને કારણે બે દિવસમાં પાંચ લોકોના મોત, સયાજી હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા, જમીન પર સારવાર

ગુજરાત મુખ્ય સમાચાર

વડોદરામાં ડેન્ગ્યુની બીમારી બેકાબુ બની રહી છે. માત્ર 2 દિવસમાં 5 લોકો ડેન્ગ્યુને કારણે મોતને ભેટ્યા છે, ત્યારે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે. સયાજી હોસ્પિટલમાં બેટ ખૂટી પડતા દર્દીઓને નીચે સુવડાવીને સારવાર કરવામાં આવી રહી છે.
વોર્ડમાં 50 બેડની સામે દર્દીઓની સંખ્યા વધી ગઇ
વડોદરામાં જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધી 4500થી વધુ દર્દીઓના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 900 કેસો ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા હતા. જેને પગલે વડોદરાની તમામ સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં બેડ ફૂલ થઇ ગયા છે. સયાજી હોસ્પિટલના વોર્ડમાં 50 બેડની સામે દર્દીઓની સંખ્યા વધી જતા દર્દીઓને નીચે સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે. આ મામલે દિવ્યભાસ્કરે સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રાજીવ દેવેશ્વરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓએ ફોન ઉપાડ્યો નહોતો.
48 કલાકમાં 5 લોકોના ડેન્ગ્યુથી મોત
વડોદરા શહેરના માત્ર 48 કલાકમાં જ ગોત્રી વિસ્તારમાં રહેતા કૌશલ પટેલ, રમેશ સોલંકી, તરસાલી વિસ્તારમાં રહેતા કૌશલ સેવક, શોભાબેન પરમાર અને કારેલીબાગના દિપેશ શાહનું ડેન્ગ્યુની બિમારીથી મોત નિપજ્યા હતા. જેને પગલે આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયુ છે, પરંતુ સરકારી હોસ્પિટલોમાં બેડ સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવે દર્દીઓને હેરાન-પરેશાન થવાનો વારો આવી રહ્યો છે.