કોરોના વાયરસ: ઈટાલીમાં ફસાયેલા 85 વિદ્યાર્થીઓએ ભારત સરકાર પાસે મદદ માગી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ઈટાલીમાં જીવલેણ કોરોના વાયરસને કારણે 34 લોકોના મોત થયા છે. ભારત ઈટાલીમાંથી પોતાના લોકોને દેશ પરત લાવવાની તૈયારી કરી રહ્યું છે. ઈટાલીના લોમ્બાર્ડી વિસ્તારમાં 85 ભારતીય વિદ્યાર્થીઓને એક અઠવાડિયાથી ક્વોરેન્ટાઈન (અલગ) કરવામાં આવ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓએ ભારત પરત ફરવા માટે વિમાનની ટિકિટ બુક કરાવી હતી પરંતુ કોરોનાના જોખમને કારણે દરરોજ ફ્લાઈટ રદ થઈ રહી છે.

ઈટાલીમાં અત્યાર સુધી કોરોના વાયરસના 1694 કેસ નોંધાયા છે. બેંગલુરુની એક વિદ્યાર્થીની અંકિતાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમારામાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓએ ટિકિટ બુક કરાવી હતી પરંતુ ફ્લાઈટ દરરોજ રદ થઈ જાય છે. નવી ટિકિટ ઘણી મોંઘી છે. અહિંયા કરિયાણાની દુકાનમાં સ્ટોક સમાપ્ત થઈ રહ્યો છે. અમને ડર છે કે સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે, તેથી અમે ભારત સરકારને અપીલ કરીએ છીએ કે અમને અહિયાની બહાર કાઢવા માટે પગલા લેવામાં આવે.

પ્રાપ્ત માહિતી મુજબ, પાવિયામાં ફ્સાયેલા 85 ભારતીય વિદ્યાર્થીઓમાં 25 તેલંગાણાના, 20 કર્ણાટક, 15 તમિલનાડુ, 4 કેરળ, 2 દિલ્હી અને રાજસ્થાન, ગુરુગ્રામ અને દેહરાદૂનના 1-1 વિદ્યાર્થીઓ સામેલ છે. જેમાંથી લગભગ 65 એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે.