દેશભરમાં 138 કેસ,5700 લોકો સર્વેલન્સ હેઠળ,મહારાષ્ટ્રમાં સૌથી વધું કેસની પુષ્ટી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણના અત્યાર સુધી 138 મામલા સામે આવી ચુક્યા છે. તેમાંથી 114 ભારતીય અને 24 વિદેશી નાગરિક છે. મુંબઈ અને પિંપરી-ચિંચવાડમાં મંગળવારે 1-1 યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

બંન્ને યુવક અમેરિકાથી પરત આવ્યા હતા. રાજ્યમાં પીડિતોનો આંકડો હવે 41 થઈ ગયો છે. તો દેશમાં ત્રણ લોકોના મોત થયા છે. મુંબઈમાં મંગળવારે 64 વર્ષના એક વ્યક્તિનું મોત થયું છે. આ પહેલા કલબુર્ગીમાં 63 વર્ષના એક વ્યક્તિ અને દિલ્હીમાં 69 વર્ષની એક મહિલાનું મોત થયું હતું. 

સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકાર પરિષદ

કોરોના વાયરસ પર સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં જણાવવામાં આવ્યું છે કે આઈસીએમઆરની અપીલ છે કે ખાનગી લેબ પણ કોવિડ-19નો ટેસ્ટ ફ્રીમાં કરે. તમામ મંત્રાલય અને ડિપાર્ટમેન્ટ થર્મલ સ્ક્રીનિંગની વ્યવસ્થા કરે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ઓફિસ પરિસરમાં સેનિટાઇઝરની વ્યવસ્થા અને સેનિટાઇઝેશનની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. આ સાથે મંત્રાલયે જણાવ્યું કે, અમે ઇરાનથી લોકોને બહાર કાઢ્યા છે.

ઇટાલી પણ સ્પેશિયલ ટીમ મોકલવામાં આવી છે, ત્યાંના લોકોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ઈરાનમાં ભારતીયોની મદદ માટે આપણી એમ્બેસી સારૂ કામ કરી રહી છે. ઈરાનની સરકારની મદદથી ત્યાં ભારતીય એમ્બેસી કામ કરી રહી છે. 

મલેશિયા, અફઘાનિસ્તાન અને ફીલિપિન્સના લોકોને ભારત આવવાની મંજૂરી નહીં

સ્વાસ્થ્ય મંત્રાલયે આ સાથે જણાવ્યું કે, અફઘાનિસ્તાન, મલેશિયા અને ફીલિપિન્સથી લોકોને ભારત આવવાની મંજૂરી નથી. આ સાથે તેમણે જણાવ્યું કે, અમે યૂરોપિયન યૂનિયનના સંપર્કમાં છીએ.

જેથી યૂરોપના દેશોમાં ફસાયેલા ભારતીયોના વીઝાનો સમયગાળો વધારવામાં આવી શકે. ભારતમાં આવેલા વિદેશી લોકોનો વીઝા સમયગાળો જરૂરીયાત પ્રમાણે વધારવામાં આવી રહ્યો છે. 

આઈટીબીપીના ક્વારેન્ટાઇન સેન્ટરમાં 2 યુવકો પોઝિટિવ

ઇટાલીના મિલાનથી ITBPના છાવલા સ્થિત ક્વારેન્ટાઇન સેન્ટરમાં આવેલા 218 લોકોમાં બે કોરોના પોઝિટિવ છે. જેને સફદરજંગના આઇસોલેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. બંન્નેની ઉંમર આશરે 25 વર્ષ છે.