બજરંગ પુનિયાએ રશિયાની કુસ્તી ટુર્નામેન્ટમાં ગોલ્ડ જીત્યો

ખેલ-જગત મુખ્ય સમાચાર

ભારતના ટોચના કુસ્તીબાજ બજરંગ પુનિયાએ શાનદાર દેખાવ જારી રાખતાં રશિયામાં યોજાયેલી અલી અલીયેવ કુસ્તી ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. બજંરગે ફ્રિસ્ટાઈલ કુસ્તીની ૬૫ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં આ સફળતા મેળવી હતી. તાજેતરમાં જ તેણે ચીનમાં યોજાયેલી એશિયન કુસ્તી ચેમ્પિયનશીપ જીતી હતી અને ત્યાર બાદ તેણે આ સફળતા હાંસલ કરી હતી.

રશિયાના કાસ્પીસ્કમાં રમાયેલી અલી અલીયેવ ટુર્નામેન્ટની ફાઇનલમાં બજરંગનો સામનો રશિયાના જ વિક્ટર રાસાડિન સામે થયો હતો. હાઈવોલ્ટેજ મુકાબલામાં બજરંગની શરૃઆત સરેરાશ રહી હતી અને એક તબક્કે તે ૦-૫ થી પાછળ ફેંકાઈ ગયો હતો. જોકે ત્યાર બાદ તેણે જબરજસ્ત પુનરાગમન કરતાં આખરે ૧૩-૮થી બાજી મારી હતી.

નોંધપાત્ર છે કે, આ બંને કુસ્તીબાજો વર્ષ ૨૦૧૭માં ડાન કોલોવ ખાતેની ચેમ્પિયનશીપની ફાઇનલમાં પણ આમને-સામને ટકરાયા હતા, જેમાં પણ બજરંગ જ વિજેતા બન્યો હતો. જોકે બલ્ગેરિયાના બોરિસ નોવાચકોવ ખાતે રમાયેલી ફાઈનલમાં બજરંગને રનર્સઅપ ટાઈટલથી સંતોષ માનવો પડયો હતો.