ચેસ વર્લ્ડ કપ : ૧૫ વર્ષના સરિને બીજા મુકાબલામાં પણ કોરિને હરાવ્યો

ખેલ-જગત

ભારતના પી. હરિકૃષ્ણા, બી.અધિબાન તેમજ વિદિત ગુજરાતી અને ૧૫ વર્ષીય ખેલાડી નિહાલ સરિને રશિયામાં ચાલી રહેલા ચેસ વર્લ્ડ કપના બીજા રાઉન્ડમા પ્રવેશ મેળવી લીધો હતો. ચેસ વર્લ્ડ કપના નિયમ અનુસાર તમામ ખેલાડીઓએ પહેલા રાઉન્ડમાં એક જ હરિફ સામે બે ચેસ મુકાબલા ખેલવાના હતા અને તેમાં વિજેતા બનનારને બીજા રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવે છે. ૧૭મો સીડ ધરાવતા પી. હરિકૃષ્ણાએ ક્યુબાના યુરી ગોન્ઝાલેઝ વિડાલને પ્રથમ રાઉન્ડની બીજી બાજીમાં પણ હરાવ્યો હતો અને 2-૦થી જીત મેળવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

હવે તેનો મુકાબલો ભારતના જ સૂર્યશેખર ગાંગુલી કે રશિયાના વ્લાદિમીર ફેડોસીવ સામે થશે, જેઓ ૨-૨થી બરોબરી પર હતા. ભારતના બી. અધિબાને વેનેઝુએલાના એડયુર્ડો બોનેલી સામે પ્રથમ બાજી જીત્યા બાદ બીજી બાજી ડ્રો કરતાં ૧.૫-૦.૫થી જીત મેળવતા આગેકૂચ કરી હતી. ભારતના વિદિત ગુજરાતીએ પણ ૧.૫-૦.૫થી આર્જેન્ટીનાના એલન પિચોટને હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે તે રશિયાના એલેક્સાન્ડર રાખ્માનોવ સામે ટકરાશે. ૧૫ વર્ષના નિહાલ સરિને પેરૃના જોર્ગે કોરિને બીજા મુકાબલામાં હરાવીને ૨-૦થી જીત હાંસલ કરતા બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો.