વડોદરામાં શુક્રવારે એક જ દિવસમાં કોરોના પોઝિટીવના બે કેસ નોંધાતા તંત્રની ઊંઘ ઉડી ગઇ છે. અત્યાર સુધી કોરોનાને મજાક સમજતા તંત્ર સામે હવે મોટો પડકાર ઉભો થયો છે. આ દરમ્યાન આઇસોલેશન વોર્ડમાં દાખલ નિઝામપુરાના એક આધેડ દર્દીનો ટેસ્ટ પોઝિટિવ આવતા વડોદરામા કોરોના પોઝિટિવની સંખ્યા 3 થઈ ગઈ છે. આ સંખ્યા વધી શકે છે.
ગત તા.11મી માર્ચ બુધવારે સ્પેનથી પરત ફરેલા માંજલપુરના 49 વર્ષના વેપારીને કોરોનાની શંકાના આધારે તા.17મી માર્ચ મંગળવારે એસએસજીમાં દાખલ કરાયા છે. તેમનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. બીજી તરફ વડોદરાથી 6 જણના ગ્રૂપમાં શ્રીલંકા ફરવા ગયેલા તાંદલજા વિસ્તારના 62 વર્ષના મહિલા શ્રીલંકાથી પરત આવ્યા બાદ તબિયત ખરાબ થઇ હતી. તેમને તા.18 માર્ચ બુધવારે એસએસજીમાં દાખલ કરાયા હતા.
આજે આ મહિલાનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. આ મહિલાની સાથે ગયેલા નિઝામપુરાના મહિલાને પણ ગુરૂવારે એસએસજીમાં દાખલ કરાયા હતા તેમના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
આ દર્દીઓના પરિવારજનો અને તેમના સંપર્ક આવેલા લોકો ઉપરાંત તાંદલજાની મહિલા સાથે શ્રીલંકાના પ્રવાસે ગયેલા અન્ય 4 જણ મળીને આશરે 25થી વધુ લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરી દેવાયા છે. તે પૈકી 15 લોકો શંકાસ્પદ લાગી રહ્યા છે. જેના સેમ્પલ મોકલવામાં આવ્યા છે.

