હવા પ્રદૂષણથી ભારતમાં સરેરાશ જીવન 4 વર્ષ ઘટ્યુ.

મુખ્ય સમાચાર રાજકીય

હવામાં ફેલાઇ રહેલું પ્રદૂષણ જીવન માટે ખતરનાક નીવડે છે, રાજધાની દિલ્હી તેનું જીવંત ઉદાહરણ છે. પરંતુ તાજેતરમાં શિકાગો વિશ્વવિદ્યાલય દ્વારા એર ક્વોલિટી લાઇફ ઇન્ડેક્ષ રિપોર્ટમાં ભારત માટે ચોંકાવનારી માહિતી આપવામાં આવી હતી. રિપોર્ટ મુજબ જીવન પર પ્રદૂષણ પડતી અસર એચઆઇવી જેવા ઘાતક રોગ અને ધુમ્રપાનથી થતા નુકસાન કરતા પણ વધારે ખતરનાક છે. આ રિપોર્ટ મુજબ ભારતમાં સરેરાશ જીવન પર તેની માઠી અસર જોવા મળી રહી છે. હવામાં ફેલાઇ રહેલા પ્રદૂષણને કારણે ભારતમાં વસતા લોકોનું સરેરાશ જીવન લગભગ 4.3 વર્ષ ઓછુ થઇ ગયું છે. એક્યુએલઆઇ રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે, વિશ્વ સ્તરે હવામાં હાજર રહેલ પ્રદૂષણ તત્વો વ્યક્તિ દીઠ જીવનકાળના 1.8 વર્ષ ઓછા કરી રહ્યું છે. નોંધનીય બાબત છે કે, આ રિપોર્ટમાં પ્રદૂષણને વિશ્વસ્તરે માનવજીવનનો એકમાત્ર સૌથી મોટો દુશ્મન ગણાવ્યો છે. હવામાં રહેલ પ્રદૂષણ તત્વો અન્ય બીમારી જેવી કે એઇડ્સ, કેન્સર કે ટીબી કરતા પણ વધારે ગંભીર અને નુકસાનકારક છે. શિકાગો યુનિવર્સિટીમાં એનર્જી પોલિસી ઇન્સ્ટીટ્યૂટના પ્રોફેસર માઇકલ ગ્રીનસ્ટોન મુજબ, આજે વિશ્વમાં લોકો એવી હવામાં શ્વાસ લઇ રહ્યા છે, જે તેમના સ્વાસ્થ્ય પર અતિગંભીર અને ખતરનાક અસર પાડી રહી છે અને જે રીતે આ ખતરાને દર્શાવવામાં આવી રહ્યો છે તે વિશ્વને ગેરમાર્ગે દારી શકે છે. એક અભ્યાસ મુજબ વિશ્વની કુલ જનસંખ્યામાંથી 75 ટકા વસ્તી એવા વિસ્તારોમાં વસી રહી છે, જ્યાં પ્રદૂષણનું પ્રમાણ ડબલ્યુએચઓની નિર્દેશોને પાર કરી ચુક્યું છે. જો ભારતમાં પ્રદૂષણને ડબલ્યુએચઓના નિર્દેશો મુજબ અકુંશિત કરવામાં આવે તો દેશમાં લોકોનું સરેરાશ જીવન 4.3 વર્ષ વધી શકે એમ છે.