કોરોના વાઈરસે દુનિયાના મોટા ભાગના દેશોને તેના સકંજામાં લઇ લીધા છે. પાકિસ્તાનમાં શનિવાર સુધી 1500થી વધારે લોકોને કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો છે અને 12 લોકોનાં મોત થઇ ચૂક્યા છે. દેશમાં ઇમરાન સરકારે હજુ સુધી લોકડાઉન જાહેર કર્યું નથી. દર્દીઓની સારવાર કરતા 2 ડોક્ટરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. અહિના નર્સિંગ સ્ટાફ અને ડોક્ટર પાસે માસ્ક, ગ્લવ્ઝ અને સેનિટાઇઝર જેવી સુવિધાઓ નથી. લોકલ ડોક્ટરે પોતાની વ્યથા જણાવી હતી. તેણે કહ્યું કે, હું માથા અને હાથ પર પોલિથીન પહેરીને સારવાર કરી રહ્યો
છું. તેણે આ ફોટોઝ પણ શેર કર્યા છે.
પાકિસ્તાનમાં હાલ સરકારી હોસ્પિટલ ભગવાન ભરોસે ચાલી રહ્યા છે. સ્થાનિક ડોક્ટર આમિર અલી ખાને જીઓ ન્યૂઝને જણાવ્યું કે, આપણો દેશ કોરોનાથી કેવી રીતે બચશે? દવાઓ તો દૂરની વાત છે અહિ ડોક્ટર અને નર્સ પાસે માસ્ક, ગ્લવ્ઝ કે સેનિટાઈઝર પણ નથી. અમે પોલિથીન પહેરી દિવસમાં 40થી વધારે દર્દીઓની સારવાર કરીએ છીએ.
આમિરના બે ફોટો હાલ સોશિયલ મીડિયામાં ઘણા વાઈરલ થઇ રહ્યા છે. તેમાં તેણે માથા પર માસ્કની જગ્યાએ ટ્રાન્સપરન્ટ પોલિથીન પહેરી છે. હાથમાં પણ એ જ પહેરી છે. આમિરે સરકાર અને લોકલ અધિકારીઓને ઘણા લેટર લખ્યા છે, પણ કોઈ તેમની વાત સાંભળવા તૈયાર નથી. તેણે કહ્યું કે, સરકારે અમને સૌથી મોટા જોખમમાં મૂકી દીધા છે. જો ડોક્ટરને જ કોરોનાનું સંક્રમણ લાગશે તો દર્દીઓની સારવાર કોણ કરશે. આ પ્રશ્ન ઘણો ગંભીર છે પણ કોઈ અમારી વેદના સાંભળવા તૈયાર નથી.

