વડોદરામાં પહેલા 16 દિવસમાં કોરોના વાઈરસના માત્ર 9 પોઝિટિવ કેસ અને પછીના માત્ર 7 દિવસમાં જ 68 કેસ નોંધાયા

ગુજરાત મુખ્ય સમાચાર

વડોદરા શહેરમાં છેલ્લા 7 દિવસમાં કોરોના વાઈરસ વિસ્ફોટની જેમ ફેલાઇ રહ્યો છે. વડોદરામાં 20 માર્ચના રોજ કોરોના વાઈરસના પ્રથમ બે પોઝિટિવ કેસ એક જ દિવસમાં નોંધાયા હતા. ત્યારબાદ 4 એપ્રિલ સુધીના 16 દિવસમાં વડોદરામાં માત્ર કુલ 9 કેસ જ નોંધાયા હતા. જોકે 5 એપ્રિલના રોજ વડોદરામાં કોરોના વાઈરસનો 10મો કેસ નોંધાયો હતો. અને ત્યારપછીના માત્ર 7 દિવસમાં જ વડોદરા શહેરમાં 68 કેસ નોંધાયા છે અને તેમાંથી 65 કેસ તો નાગરવાડા વિસ્તારના જ છે. જેથી આગામી દિવસોમાં વડોદરા શહેરમાં સંખ્યાબંધ કેસો આવવાની શક્યતા છે.
20 માર્ચે વડોદરામાં પ્રથમ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા
વડોદરા શહેરમાં 20 માર્ચે મકરપુરા વિસ્તારમાં સ્પેનથી આવેલા ચિરાગ પંડિત(ઉ.49) અને શ્રીલંકાથી આવેલી તાંદલજા વિસ્તારના રેખાબેન શેઠ(ઉવ.62)ના કોરોના વાઈરસના પોઝિટિવ રિપોર્ટ નોંધાયા હતા. ત્યારબાદ શ્રીલંકાથી આવેલા નિઝામપુરા વિસ્તારના દંપતી શૈલેન્દ્ર દેસાઇ (ઉ.વ.52) અને નિલિમા શૈલેન્દ્ર દેસાઇ (ઉવ.46)નો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમનામાંથી તેમની પુત્રી, પુત્ર અને પુત્રવધુનો રિપોર્ટ પણ કોરોના વાઈરસ પોઝિટિવ આવ્યો હતો. અને ત્યારબાદ નડિયાદના વિપુલ પટેલ અને નિખિલ પટેલ નામના બે મિત્રોનો રિપોર્ટ પણ કોરોના વાઈરસ પોઝિટિવ આવ્યો હતો. જોકે ત્યારસુધી તો વડોદરા શહેરમાં કોરોના વાઈરસ કંટ્રોલમાં જ હતો. 
5 એપ્રિલ પછી વડોદરામાં કેસો વધવાના શરૂ થયા
જોકે 5 એપ્રિલના રોજ નાગરવાડા વિસ્તારમાં ભોજનની સેવા આપતા ફિરોઝખાન પઠાણ(ઉ.54)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરીયાતમંદ લોકોને ભોજન પુરૂ પાડતા હતા. જેથી તેમનામાંથી લોકોને ચેપ લાગવાની પુરી સંભાવના હતી. બીજા જ દિવસે 6 એપ્રિલે નાગરવાડા વિસ્તારમાં વધુ પોઝિટિવ કેસ નોંધાયા હતા. અને 7 એપ્રિલે નાગરવાડાના તબીબ સાદ અહેમદહુસેન શેખ (ઉ.વ.22)નો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતુ થઇ ગયું હતું. અને નાગરવાડા વિસ્તારને રેડ ઝોન જાહેર કરીને ક્લસ્ટર ક્વોરન્ટીન કર્યો હતો અને આખા વિસ્તારને સીલ કરી દીધો હતો. અને માસ સેમ્પલિંગ કરાયું હતું  
માત્ર 7 દિવસમાં વડોદરામાં 68 કેસો નોંધાયા
આ તબીબ તાંદલજા વિસ્તારમાં ટ્રસ્ટની હોસ્પિટલમાં ફરજ બજાવતો હોવાથી તેને ત્યાં મોટી સંખ્યામાં દર્દીઓ તપાસ્યા હતા. જેથી તાંદલદા વિસ્તારને પણ રેડ ઝોન જાહેર કરીને ક્લસ્ટર ક્વોરન્ટીન કર્યો હતો. આ સમગ્ર વિસ્તારના રોડ સીલ કરી દીધા હતા. જોકે ત્યારબાદ નાગરવાડામાં સતત કેસો વધતા ગયા હતા અને માત્ર 7 દિવસમાં નાગરવાડામાં 65 સહિત કુલ 68 કેસો નવા નોંધાયા હતા. વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કુલ 77 કેસો નોંધાયા છે. હવે રોજ 20ની આસપાસ કેસો વધી રહ્યા છે. જે વડોદરા શહેર માટે ચિંતાજનક બાબત છે.
નાગરવાડાના પ્રથમ પોઝિટિવ કેસ ફિરોઝ ખાનને કઇ વ્યક્તિમાંથી ચેપ લાગ્યો તે હજી જાણવા મળ્યું નથી
વડોદરાના નાગરવાડાના વિસ્તારના પ્રથમ કોરોનો પોઝિટિવ વ્યક્તિ ફિરોઝ ખાન વડોદરાથી બહાર ગયા જ નથી. તો તેમને કઇ વ્યક્તિમાંથી ચેપ લાગ્યો તે હજી જાણવા મળ્યું નથી. જો તેમને કોનામાંથી કોરોનાનો ચેપ લાગ્યો તે જાણવા મળે તો મોટાપાયે કેસો વધવાની શક્યતા છે.