લૉકડાઉનથી ભારતીય અર્થતંત્રને 8 લાખ કરોડનું નુકસાન

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કોરોના વાઇરસની મહામારીના પ્રસારને રોકવા માટે ૨૧ દિવસના લોકડાઉનને કારણે દેશના અર્થતંત્રને સાત થી આઠ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. આ લોકડાઉનને કારણે મોટા ભાગની કંપનીઓ બંધ રહી, ઉડ્ડયન સેવાઓ બંધ રહી અને ટ્રેનોનું પરિચાલન પણ બંધ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસનો પ્રસાર અટકાવવા માટે વડાપ્રધાન મોદીએ ૨૫ માર્ચથી ૧૪ એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી. જેના કારણ ૭૦ ટકા આર્થિક પ્રવૃત્તિઓ, રોકાણ, નિકાસ બંધ થઇ ગઇ છે.

આ લોકડાઉન દરમિયાન ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ, કૃષિ, બેકિંગ સહિતની કેટલીક વસ્તુઓને મંજૂરી આપવામાં આવી હતી. સેન્ટીં ઇન્સ્ટીટયુશનલ રિસર્ચે એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારતમાં લોકડાઉન કરવાની એવા સમયે ફરજ પડી છે જ્યારે દેશના અર્થતંત્રમાં સુધારાના સંકેત જોવા મળી રહ્યાં હતાં.

આ મહામારીને કારણે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં દેશના જીડીપીમાં ફરી એક વખત મોટો ઘટાડો જોવા મળી શકે છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સમગ્ર દેશમાં સંપૂર્ણ લોકડાઉનને કારણે દેશના અર્થતંત્રને ઓછામાં ઓછું સાતથી આઠ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઇ શકે છે.

આ અગાઉ આ મહિનાની શરૂઆતમાં એક રેટિંગ એન્ડ રિસર્ચ લિમિટેડે અંદાજ મૂક્યો હતો કે લોકડાઉનને કારણે ભારતીય અર્થતંત્રને દરરોજ ૩૫,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. અને સમગ્ર લોકડાઉનને કારણે ૭.૫ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે. આ મહામારીને કારણે ઉભા થયેલા સંકટને કારણે ટ્રાન્સપોર્ટ, હોટેલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટની પ્રવૃત્તિઓને સૌથી વધુ અસર થઇ છે. ભારત ઉપરાંત વિશ્વમાં પણ મંદી આવવાની શક્યતા વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વ્યકત કરી ચૂકી છે.