વિશ્વભરમાં કોરોના વાઈરસના 19.25 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે. 1.20 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 4.45 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. ચીન વિશ્વના વિવિધ દેશમાં કોરોનાનો ભોગ બનેલલા પોતાના 1464 નાગરિકોને પરત લાવ્યું છે.
અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા છ લાખની નજીક
અમેરિકામાં અત્યાર સુધીમાં 5 લાખ 87 હજાર પોઝિટિવ કેસ નોંધાયા છે અને 23 હજાર 640 લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 26 હજાર 641 નવા કેસ નોંધાયા છે અને 1535 લોકોએ જીવ ગુમાવ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે વ્હાઈટ હાઉસમાં પ્રેસ બ્રીફિંગ દરમિયાન મીડિયા ઉપર ભડક્યા હતા. તેમણે સીબીએસ ચેનલના રિપોર્ટર પાઉલા રીડના સવાલના જવાબમાં કહ્યું કે તમે જુઠ્ઠા છો અને તમારું સમગ્ર કવરે જ ખોટું છે.
પાઉલા રીડે ટ્રમ્પને પૂછ્યું હતું કે ફેબ્રુઆરીમાં કોરોના સામે લડવા માટે તમે શું કર્યું હતું? ટ્રમ્પ સવાલનો જવાબ દેવાનો ઈનકાર કરતા રહ્યા અને અંતમાં રિપોર્ટર ઉપર ભડકીને કહ્યું કે શું તમને ખ્યાલ છે કે તમારો રિપોર્ટ ખોટો છે.
ટ્રમ્પે વધુમાં કહ્યું કે અમેરિકામાં દરરોજ નોંધાતા કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકાના નાગરિકો ગાઈડલાઈનનું પાલન કરી રહ્યા છે એટલા માટે આ ઘટાડો જોવા મળી રહ્યો છે. પહેલા એક લાખથી વધારે મોતની વાત કરાઈ રહી હતી, પરંતુ હવે આ આંકડો ઓછો રહેશે.
બ્રિટનમાં 24 કલાકમાં 717 લોકોના મોત
બ્રિટનના સોશિયલ કેર વિભાગના જણાવ્યા મુજબ સોમવારે 717 લોકોએ જીવ ગુમાવ્યો છે, આ સાથે અહીં મૃત્યુઆંક 11329 થયો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 4342 કોરોનાના નવા કેસ નોંધાયા છે. આ સાતે કુલ પોઝિટિવ કેસ 88 હજાર 621 થયા છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે બ્રિટનમાં ચાલી રહેલા લોકડાઉનને સાત મે સુધી લંબાવવામાં આવ્યું છે.
લંડનના ટ્રેફલગર સ્વેરની તસવીર. બ્રિટનમાં મહામારીથી 11 હજાર 329 લોકોએ જીવ ગુમાવ્યા છે.
સ્પેનમાં કુલ પોઝિટિવ કેસ 1.70 લાખ થયા છે અને 17 હજાર 756 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈટાલીમાં 1.60 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે અને 20 હજાર 465 લોકોએ જીવ ગુમાવ્યો છે. ચીન કરતા અમેરિકા, સ્પેન, ઈટાલી, ફ્રાન્સ, જર્મની અને બ્રિટનમાં વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસની બાબતમાં ચીન સાતમાં નંબરે આવી ગયું છે. ભારત 22માં નંબરે છે.

