CAAના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન રવિવારે અલીગઢના ઉપરકોટ અને શાહજમાલના દેહલીગેટ વિસ્તારમાં ઘર્ષણ થયું હતું. સૌથી પહેલા દેહલીગેટમાં દેખાવકારોની ભીડમાં સામેલ અમુક ઉપદ્રવીઓએ ધાર્મિક સ્થળ પાસે પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચીને પોલીસે મામલો થાળે પાડ્યો હતો. ઘટનાના કારણે સાંજે 6 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી ઇન્ટરનેટ સુવિધા બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ દિલ્હીના જાફરાબાદના મૌજપુરમાં પણ બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો.
અલીગઢમાં CAAના વિરોધ પ્રદર્શનમાં ઉપરકોટ વિસ્તારમાં અથડામણ થઇ હતી. અહીં દેખાવકારોમાંથી અમુક યુવકોએ પોલીસની જીપ પર પથ્થરમારો કર્યો અને ટ્રાન્સફોર્મરને આગ લગાવી દીધી. ત્યારબાદ પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો અને ટિયરગેસના સેલ છોડ્યા. અલીગઢના ડીએમ ચંદ્રભૂષણસિંહે કહ્યું- બધુ સામાન્ય હતું. શનિવારે પણ જામા મસ્જિદના ઇમામ સાથે વાત કરવામાં આવી હતી. પરંતુ રવિવારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની અમુક વિદ્યાર્થીનીઓએ પરિસ્થિતિ બગાડવાની કોશિષ કરી. તેમની ઓળખ કરવામાં આવી રહી છે. સાર્વજનિક સંપત્તિને જે નુકશાન થયું છે તેની વસૂલાત ઉપદ્રવીઓ પાસેથી કરવામાં આવશે.
જાફરાબાદમાં પથ્થમારો
દિલ્હીના જાફરાબાદના મૌજપુર પાસે ભાજપના નેતા કપિલ મિશ્રા અને તેમના સમર્થકો CAAના સમર્થનમાં હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યા હતા. આ દરમિયાન CAAના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો. શનિવારે મોડી રાત્રે શાહીનબાગની જેમજ જાફરાબાદ મેટ્રો સ્ટેશન પર મહિલાઓએ વિરોધ શરૂ કર્યો હતો. રવિવારે બપોરે ચાંદબાગમાં પણ આવો જ વિરોધ શરૂ થયો હતો.
શનિવારે મોડી રાતે મહિલાઓએ પ્રદર્શન કર્યું હતું. રવિવારે બપોરે ચાંદબાગમાં પણ આવા દેખાવો થયા હતા. દેખાવકારી મહિલાઓનું કહેવું હતું કે, જ્યાં સુધી કેન્દ્ર સરકાર CAA પાછું નહીં લે, ત્યાં સુધી આ દેખાવ ચાલું રહેશે. આ સાથે જ સરિતા વિહાર અને જસોલામાં રહેનારા સ્થાનિક લોકોને આના વિરુદ્ધ આંદોલન શરૂ કરી દીધો હતો. લોકોનું કહેવું છે કે શાહીનબાગ, ચાંદબાગ અને જાફરાબાદમાં થઈ રહેલા દેખાવોથી તેમનું જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.
જાફરાબાદમાં મોટી સંખ્યામાં સુરક્ષાદળોને ગોઠવવામાં આવ્યા છે.
જાફરાબાદમાં મહિલા પોલીસ કર્મચારીઓને પણ ફરજ પર ગોઠવવામાં આવી છે. દરમિયાન પોલીસે વિરોધ દેખાવ કરનારી મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલો એક મંચ તોડી નાંખ્યો છે. વિરોધ પ્રદર્શન કરતી મહિલાઓએ મેજથી એક નાનો મંચ તૈયાર કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનને લીધે જાફરાબાદ મેટ્રો સ્ટેશન બંધ કરવું પડ્યું છે. હવે લોકોએ આ મેટ્રો સ્ટેશનથી મેટ્રો સ્ટેશન સેવા મળશે નહીં. અહીં મેટ્રો ગેટના દરવાજા બંધ કરવામાં આવ્યા છે.
મુસ્લિમ મહિલાઓ અડધી રાતે વિરોધ પ્રદર્શન કરવા આવવા લાગી
અહેવાલ પ્રમાણે અડધી રાત્રે વિરોધ પ્રદર્શન કરવા મહિલાઓ સીલમપુર રેડ લાઈટથી જાફરાબાદ મેટ્રો સ્ટેશન તરફ કૂંચ કરી હતી અને જાફરાબાદ મેટ્રો સ્ટેશન નીચેના માર્ગ પર બેસી ગઈ હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓએ બુરખા પહેરી આ પ્રદર્શનમાં સામેલ થઈ હતી. તેમણે કેન્ડલ સળગાવી અને CAA વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
જય ભીમના નારા પણ લગાવ્યા
વિરોધ પ્રદર્શનમાં સામેલ મહિલાઓએ જય ભીમના નારા પણ લગાવ્યા હતા. અહીં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે CAAના વિરોધમાં અગાઉ સીલમપુરમાં હિંસા ભડકી હતી અને લોકોએ ગાડીઓ સળગાવી હતી તેમ જ અનેક સ્થળો પર તોડફોડ કરી હતી. હવે જાફરાબાદમાં આ નવેસરથી વિરોધ પ્રદર્શન શરૂ થયો છે.