અમેરિકાના મિસિસિપિમાં ચક્રવાતના ભારે તોફાનમાં 6 નાં મોત

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દક્ષિણ અમેરિકાના રાજ્ય મિસિસિપિમાં આવેલા ભારે વરસાદ-વંટોળ સહિતના ચક્રવાતે છ જણનો ભોગ લીધો છે. અફરાતફરી મચાવી ગયેલી કુદરતી આપત્તિને પહોંચી વળવા રાજ્યે કટોકટી જાહેર કરવી પડી છે.

મિસિસિપિમાં એક ઉત્પાત જેટલું નુકસાન વેરી ગયેલા ચક્રવાતની ગંભીરતા જોતાં દેશની નેશનલ વેધર સર્વિસે મહત્તમ ટોર્નેડો એલર્ટની ઘોષણા કરી છે.

મિસિસિપિ રાજ્યના ગવર્નર ટાટે રીવેઝે ટ્વીટ કરતા કહ્યું કે રાજ્યભરમાં વ્યાપી ગયેલા ભારે ચક્રવાત અને વંટોળિયાના તોફાન સામે મિસિસિપિના નાગરિકોના જાનમાલની સુરક્ષા માટે રાજ્યમાં ઇમરજન્સી જાહેર કરી છે.

”અમે અમારાં લોકોના જાન-માલના રક્ષણ માટે ઉપલબ્ધ બધાં સ્ત્રોતોને ઉપયોગમાં લઇ રહ્યા છીએ, એમ જણાવીને રીવેઝે પ્રજાજોગ સંદેશામાં કહ્યું કે ”(પ્રજાજનો) એકલા નથી.”

ચક્રવાતમાં મૃત્યુ પામેલી છ એ છ વ્યક્તિના મોત રાજ્યના દક્ષિણ ભાગમાં થયા છે, એમ ધ મિસિસિપિ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ કહ્યું.

આ પ્રાથમિક અહેવાલ છે અને જ્યારે માહિતી મળશે ત્યારેઆ અહેવાલની છેલ્લામાં છેલ્લી વિગતો આપતા રહીશુ, એમ એજન્સીએ ટ્વીટ કર્યું.

ચક્રવાત આગાહી કેન્દ્ર (સ્ટોર્મ પ્રીડિકશન સેન્ટર)એ જણાવ્યું કે એને મિસિસિપિ ઉપરાંત પડોશના રાજ્યો અલબામા અને જ્યોર્જિયામાં આખી રાત ભારે પવન સાથેના તોફાનની અપેક્ષા હતી. રીવેઝે દેશવાસીઓને ભારે તોફાન વિષે ગંભીર બનવા સૂચવ્યું છે. તમારા પરિવારની સુરક્ષા માટે સાવધાની રાખો, એમ એમણે કહ્યું.

જો ચક્રવાતથી બચવા માટે પબ્લિક સ્ટોર્મ શેલ્ટર (જાહેર આશ્રયસ્થાનો) ખાતે જવું પડે તો કોરોના વાઇરસથી બચવા માટે મોં અને નાકને માસ્કથી ઢાંકીને જજો, એમ ગવર્નર ટાટે રીવેઝે ઉમેર્યું.