અમદાવાદના કોટ વિસ્તાર, દાણીલીમડામાં 21મી એપ્રિલ સુધી કરફ્યૂ

ગુજરાત મુખ્ય સમાચાર

અમદાવાદ શહેરના કોરાનાગ્રસ્ત કોટ વિસ્તારમાં આવતીકાલે એટલે કે બુધવારે સવારના છ વાગ્યાથી ૨૧મી એપ્રિલના રાતના બાર વાગ્યા સુધી સંપૂર્ણ કરફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ડીજીપી શિવાનંદ ઝાએ આજે જાહેર કર્યું છે.અમદાવાદ કોટ વિસ્તારમાં આવેલા કારંજ, શાહપુર, કાલુપુર, ખાડિયા, ગાયકવાડ હવેલી, દરિયાપુર અને દાણીલીમડા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં આવતીકાલે એટલે કે બુધવારે સવારે છ વાગ્યાથી કરફ્યુનો અમલ ચાલુ કરી દેવામાં આવશે. આ કરફ્યુના અમલના ગાળા દરમિયાન કોઈપણ પુરુષ બહાર નીકળી શકશે નહિ.

માત્ર મહિલાઓને જ બપોરે એક વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન શાકભાજી, કરિયાણું અને દવા સહિતની ઘરવપરાશની આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે બહાર નીકળવાની છૂટ આપવામાં આવશે. પુરુષોના બહાર નીકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

જોકે મિડિયા કર્મીઓને અગાઉની માફક જ નીકળવાની છૂટ આપવામાં આવી છે. તઓે તેમની સંસ્થાના ઓળખ કાર્ડ બતાવીને બહાર જઈ શકશે. આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૩જી મે સુધી લૉકડાઉન ચાલુ રાખવાની કરેલી જાહેરાત મુજબ ગુજરાત સરકારે પણ ત્રીજી મે સુધી લૉકડાઉનનો ચુસ્ત અમલ કરવાની જાહેરાત કરી છે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલની અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં અમદાવાદના કોટ વિસ્તારમાં કરફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતની જનતાએ ૨૧ દિવસ સુધીના લૉકડાઉનનો અમલ કરવામાં આપેલા સહયોગ બદલ તેમનો આભાર માનતા મુખ્યમંત્રીએ ત્રીજી મે સુધીના લોકડાઉન-ટુમાં પણ સહકાર આપવા પ્રજાને અનુરોધ કર્યો હતો.

ગુજરાતમાં કોરોના પોઝિટિવના નોંધાયેલા કુલ કેસમાંથી ૩૫૦થી વધુ કેસ એકલા અમદાવાદના હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી લૉકડાઉનનો સમય પણ લંબાવવામાં આવ્યો છે. કોરોના વાઈરસનો વ્યાપ વધતો અટકાવવા માટે પણ કરફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. કોટ વિસ્તાર અને દાણીલીમડાનો સઘન અભ્યાસ કરીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. 

તેમણે કહ્યું હતું કે દાણીલીમડા વિસ્તારમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધારે છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને અમ્યુકોના આરોગ્ય વિભાગના અધિકારીઓ આગામી છથી સાત દિવસ સુધી આ વિસ્તારમાં સઘન ઝુંબેશ ચલાવીને કોરોના વાઈરસના વ્યાપને વધતો અટકાવી દેવા માટે સઘન કામગીરી કરશે. આ પ્રકારે સર્વેલન્સ કરવા ઉપરાંત તેમને સારવાર આપીને સાજા કરવાની કામગીરી પણ કરશે. આ રીતે સંક્રમણને વધતુ અટકાવવામાં આવશે.

કરફ્યુમાં બહાર નીકળવાના પાસ લેવા પોલીસ કચેરીનો સંપર્ક કરવો

અમદાવાદના કોટ વિસ્તારમાં લાદવામાં આવેલા કરફ્યુમાં બહાર નીકળવું અનિવાર્ય હોય અને આવશ્યક વસ્તુઓની હેરફેરના કામ સાથે સંકળાયેલા હોય તેવા લોકોએ બહાર નીકળવા માટે પોલીસની સ્પેશિયલ બ્રાન્ચ પાસેથી પાસ કઢાવવા પડશે. તેને માટે ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ઓનલાઈન વ્યવસ્થા અંગેની વિગતો બુધવારે જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે.

કોટ વિસ્તારમાં નાકાબંધીના 300 પોઈન્ટ નક્કી કરાયા

અમદાવાદ શહેરના કોટ વિસ્તાર અને દાણી લીમડામાાં કરફ્યુનો જડબેસલાક અમલ કરાવવા માટે ૩૦૦ જેટલા નાકાબંધીના પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. ઉપરાંત અમદાવાદના કોટ વિસ્તારમાં ૧૫૯ પીસીઆર પેટ્રોલિંગ માટે વૅન ફરતી રહેશે. ૪૬૬ મોટરસાઈકલ પેટ્રોલિંગ માટે ફરતી રાખીને કરફ્યુનો ભંગ કરનારાઓને ઝડપી લેવામાં આવશે. અમદાવાદના કોટ વિસ્તારમાં ૩૨૩ હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલને ૨૧મી એપ્રિલ સુધી તૈનાત રાખવામાં આવશે.

તદુપરાંત ૫૪૬ હોમગાર્ડ, ૩૮૦ એસઆરપીના જવાનો, ૭૦ સીઆરપીએફના જવાનો, બીએસએફના ૩૦ જવાનો અને રેપિડ એક્શન ફોર્સ-આરએએફના ૯૦ જવાનોને તૈનાત રાખવામાં આવશે. તદુપરાંત ડ્રોનનો ઉપયોગ કરીને સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવશે, એમ અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું.