કોરનાના કહેર વચ્ચે ગુજરાતના લોકોનુ રક્ષણ કરવા માટે આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ ખડેપગે રહીને કામગીરી કરી રહ્યું છે. પોલીસ આગ ઝરતી ગરમીમાં 12 કલાક રસ્તા પર ઊભી રહીને લોકોને ઘરની બહાર નહીં નીકળવાનું સૂચન કરી રહી છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગના કર્મચારીઓ લોકોના ઘરે-ઘરે જઈને તેના રિપોર્ટ કરી રહ્યા છે. ત્યારે આજે 108ના કર્મચારીની કાર્ય પ્રત્યેની નિષ્ઠાને જોઈને તમે પણ તેને સલામ કરશો કારણ કે 108માં ફરજ બજાવતા કર્મચારીના પિતાનું અવસાન થતાં તેણે પિતાની અંતિમવિધિ પૂર્ણ કરીને અડધા દિવસ પછી પોતાની ફરજને પ્રાધાન્ય આપી તે ફરજ પર હાજર થયો હતો.
રિપોર્ટ અનુસાર રાજકોટ 108માં EMT તરીકે ફરજ બજાવતા કિશન છાયાના પિતાનું અવસાન થયુ હતું. આ બાબતે કિશનને તેના ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા તેઓએ તાત્કાલિક કિશનની જગ્યા પર અન્ય સ્ટાફની વ્યવસ્થા કરીને કિશનને દસ દિવસની રજા આપી હતી. કિશને ઘરે જઈને તેના પિતાની અંતિમવિધિ પૂર્ણ કરીને અડધા દિવસ પછી તે ફરીથી પોતાની ફરજ નિભાવવા માટે પહોંચ્યો હતો. અધિકારીઓએ કિશનને 10 દિવસની રજા આપી હોવા છતાં પણ તેને પિતાના અંતિમ સંસ્કારની વિધિ કર્યા બાદ જ તાત્કાલિક ફરજ પર હાજર થયો હતો. કિશને અધિકારીને કહ્યું હતું કે, હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. એટલે હું મારી ડ્યુટી જોઈન કરી લઉં છું. મારી સાથે દુઃખદ ઘટના બનવાની હતી તે બની ગઈ પરંતુ કોરોનાની મહામારી વચ્ચે લોકોની થોડી સેવા કરવાનો નિર્ણય મેં કર્યો છે.
ઉલ્લેખનિય છે કે, કેટલાક પોલીસ કર્મચારીઓના ઘરે પુત્રનો જન્મ થયો હોવા છતાં પણ તેઓ તેમના પરિવારની પાસે ગયા નથી અને મોબાઇલમાં પુત્રનો ફોટો મંગાવીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક પોલીસકર્મીઓના પરિવારજનોનો અવસાન થયું હોવાથી તેઓ અંતિમવિધિ પૂર્ણ કરીને તરત જ પોતાની ફરજ પર હાજર થયા છે, તો કેટલાક પોલીસકર્મીઓનો અકસ્માત થવાના કારણે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા અને જેના કારણે તેઓ પ્રાથમિક સારવાર લઇને આવા કપરા સમયમાં ઈજાગ્રસ્ત હાલતમાં પણ ખડેપગે રહીને લોકોની સેવા માટે હાજર થયા છે. આજ પ્રકારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાના જીવના જોખમે પોતાની ફરજ 12થી 15 કલાક નિભાવી રહ્યા છે અને લોકોની સેવા કરી રહ્યા છે.

