વ્યવસ્થાના અભાવે દિલ્હીમાં હજારો મજૂરો ફરી રસ્તા પર

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કોરોના વાઇરસ ફેલાતા સરકારે જે લોકડાઉન જાહેર કર્યું છે તેનાથી બીજી સમસ્યા ઉભી થઇ ગઇ છે. અનેક રાજ્યોમાં મજૂરો ફસાયા છે અને તેઓ હવે પોતાના રાજ્યમાં જવા માટે મથી રહ્યા છે. મુંબઇ બાદ હવે દિલ્હીમાં મજૂરો ફરી એકઠા થયા હતા, હજારોની સંખ્યામાં મજૂરો દિલ્હીના યમૂના ઘાટ પર એકઠા થઇ જતા સરકાર દોડતી થઇ ગઇ છે.

દિલ્હીમાં આ મજૂરોને યોગ્ય રહેવાની સુવિધા અને ખાવા ન મળતા તેઓ ફાફા મારી રહ્યા છે, મુંબઇની જેમ અચાનક દિલ્હીના યમૂના ઘાટ પર હજારોની સંખ્યામાં મજૂરો આવ્યા હતા, તેઓએ અહીં મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે અમારે અમારા વતન રાજ્યમાં પરત જવું છે, અમને અહીં ન તો ખાવા મળી રહ્યું છે ન તો કોઇ કામ છે કે રહેવાની પણ વ્યવસ્થા નથી. 

મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું હતું કે આ મજૂરોના રહેવા અને ભોજનની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. સાથે જ તેમને કોઇ મુશ્કેલી ન પડે તેના પણ આદેશ આપવામાં આવ્યા છે. જોકે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે સરકારો આટલા સમયથી મજૂરો માટે વ્યવસ્થા કરી હોવાના દાવા કરી રહી છે તો બીજી તરફ મજૂરો આટલી મોટી સંખ્યામાં રોડ રસ્તા અને બ્રિજ નીચે આ તકડામાં સુવા માટે મજબુર કેમ થઇ રહ્યા છે અને કેમ આટલી મોટી સંખ્યામાં એકઠા થઇ રહ્યા છે. આ મજૂરો દિલ્હીના યમુના ઘાટ પાસે આવેલા એક વિશાળ બ્રિજ નીચે સુતા રહે છે અને આસપાસ અતીશય ગંદકી છે તેમજ કચરો પણ અહી ફેકવામાં આવે છે. આટલી યાતનાઓ વચ્ચે મજૂરો દિવસો પસાર કરવા મજબૂર છે.

લોકડાઉન લંબાતા મજૂરો ખેતીનો પાક પણ નહીં લણી શકે 

કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યું છે અને હવે તેનો સમયગાળો ત્રણ મે સુધી લંબાવી દીધો છે. આ પરિસ્થિતિ વચ્ચે સ્થળાંતરીત મજૂરોની પરિસ્થિતિ સૌથી ખરાબ થઇ ગઇ છે, આ મજૂરો અનેક શહેરોમાં ફસાઇ ગયા છે અને પોતાના વતન પરત નથી જઇ શક્યા જેને પગલે હવે તેમના પરિવારજનોને ચિંતા છે કે મજૂરોને લોકડાઉન બાદ ઘરે પરત મોકલવામાં આવશે ત્યારે બહુ મોડુ થઇ જશે અને મજૂરોના ગામમાં જે પાક ઉગાવ્યો છે તે પણ હવે નાશ પામી રહ્યો છે કેમ કે તેને લણવા માટે કોઇ મજૂર નથી મળી રહ્યા. ૧૪મી એપ્રીલે આ મજૂરોને એવી આશા હતી કે લોકડાઉનનો સમય નહીં લંબાવાય અને તેઓ વતન પરત જઇને પાક લણી શકશે. આ મજૂરોના પરિવારજનો પાસે પણ હવે ખાવા માટે કઇ વ્યવસ્થા નથી તેથી લોકડાઉન પુરુ થયા બાદ પણ મજૂરોની સ્થિતિ સામાન્ય થવામાં વધુ સમય લાગે તેવી ભીતી વ્યક્ત કરાઇ રહી છે.