કોરોના વાયરસના કહેર વચ્ચે પાકિસ્તાન પોતાની નાપાક હરકત છોડી રહ્યું નથી. છેલ્લા થોડાક દિવસોથી પાકિસ્તાન તરફથી સતત ઘૂષણખોરીનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કોરોનાના સંક્રમણમાં આતંકવાદીઓની આતંકી પ્રવૃત્તિ યથાવત રહી છે ઉત્તર કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોર વિસ્તારમાં શનિવારે સાંજે સીઆરપીએફ અને પોલીસની ટીમ પર આતંકવાદીઓએ હુમલો કરતા સીઆરપીએફના ત્રણ જવાન શહીદ થયા હતા જેમાં સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામનો સતપાલસિંહ બચુસિંહ પરમાર શહીદ થતા પરિવારજનો અને જીલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
શનિવારે સાંજના સુમારે જમ્મુ-કાશ્મીરના સોપારમાં થયેલા હુમલામાં સીઆરપીએફનાં 3 જવાન શહીદ થયા હતા અને ૩ જવાનો ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા જેમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઝાલાના મુવાડી ગામના અને ૮ વર્ષથી સીઆરપીએફ માં ફરજ બજાવતા સતપાલસિંહ બચુસિંહ પરમાર શહીદ થયા હોવાની જાણ પરિવારજનો થતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મૂક્યું હતું સાબરકાંઠા જિલ્લાનો જવાન આતંકી હુમલામાં શહીદ થયાની જાણ થતા જીલ્લામાં શોકની લાગણી છવાઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ બારામુલા જિલ્લાના અહદ બાબ ચોકની પાસે નૂરબાગ વિસ્તારમાં આતંકવાદીઓ ઘાત લગાવીને બેઠા હતા આ વિસ્તારમાંથી પસાર થતા સીઆરપીએફ અને પોલીસના સંયુક્ત કાફલા પર આંતકીઓએ હુમલો કરી દીધો.
હુમલામાં ઘાયલ જવાનોને તાત્કાલિક નજીકની એસડીએચ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં બે સીઆરપીએફ જવાનોને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા. એક અન્ય ઘાયલ જવાને પણ ત્યારબાદ દમ તોડ્યો. આ હુમલામાં કેટલાક પેરામિલેટ્રીનાં જવાનો પણ ઘાયલ થયા છે. હુમલાની ઘટના પછી તરત જ સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો છે આતંકવાદીઓને પકડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે.

