99 વર્ષના રત્નાબાપાએ કર્યું CM ફન્ડમાં દાન, મોદી સાથે ફોન પર કરી આ વાત

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

માળિયાહાટીના-મેંદરડાના ભૂતપૂર્વ વિધાનસભ્ય રત્નાબાપા ઠુમ્મરે પોતાની મરણમૂડીના ૫૧,૦૦૦ રૂપિયા ગુજરાતના મુખ્ય પ્રધાનને રાહત ફન્ડમાં દાન આપતાં દેશઆખો રત્નાબાપા પર ઓવારી ગયો હતો. રત્નાબાપાએ આપેલા દાનની સુવાસ છેક દિલ્હી સુધી પહોંચતાં રત્નાબાપાને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને ગઈ કાલે લગભગ ત્રણ મિનિટ વાત કરી હતી. રત્નાબાપાએ નરેન્દ્ર મોદીને ફોન પર કહ્યું હતું કે તમે અને શંકરસિંહ વાઘેલા બિલખા આવતા એ મને હજી પણ યાદ છે.

શુક્રવારે રત્નાબાપા તેમના દીકરાને લઈને કલેક્ટર ઑફિસે ગયા હતા અને ત્યાં જઈને તેમણે પોતાની મરણમૂડી એવા ૫૧,૦૦૦નો ચેક આપ્યો હતો. રત્નાબાપા જ્યારે કલેક્ટર ઑફિસ ગયા ત્યારે પહેલાં સૌકોઈને એવું લાગ્યું હતું કે ૯૯ વર્ષના આ દાદા સહાય માટે આવ્યા છે, પણ વાત સહાય લેવાની નહીં, સહાય આપવાની નીકળતાં સૌકોઈને અચરજ થયું હતું. વિધાનસભ્યના પદ પર હતા ત્યારે પણ રત્નાબાપાએ પોતાનો પગાર લીધો નહોતો. બાપા કહેતા કે રાજકારણ એ સેવાનું માધ્યમ છે. આ માધ્યમથી રૂપિયો ઘરમાં આવવો ન જોઈએ.

લાલ બહાદુર શાસ્ત્રીની સરકાર સમયે દેશમાં જ્યારે અનાજની તંગી ઊભી થઈ ત્યારે શાસ્ત્રીજીએ અઠવાડિયામાં એક ટંક ભોજન છોડવાની અપીલ કરી હતી. એ સમયે રત્નાબાપાએ સોમવારનું એક ટંક ભોજન છોડ્યું એ આજ સુધી તેમણે આ નિયમ જાળવી રાખ્યો છે. કોરોના સામેની લડાઈમાં સહાયરૂપ બનાય એ માટે તેમણે મરણમૂડી આપતી વખતે કહ્યું હતું કે ‘શરીરથી હું દેશને સહાય નથી કરી શકતો ત્યારે મારી પાસે જે છે એ આપવાનું કામ કરવા આવ્યો છું.’

નમો સાથે ફોન પર શું વાત થઈ?

રત્નાબાપાને કાને ઓછું સંભળાતું હોવાથી વડા પ્રધાને મોટા ભાગની વાત તેમના દીકરા ધનજીભાઈ થકી કરી હતી.
વડા પ્રધાન : હા બાપા, તમારી તબિયત કેમ છે?
રત્નાબાપા : મારી તબિયત તો ઠીક, પણ કાને સાંભળી શકતો નથી, ૧૦૦માં એક વરહ ઓછું કર્યું છે.
વડા પ્રધાન : મને યાદ કરો છો?
રત્નાબાપા : યાદ તો કરતો હોઉંને… દેશનું ભલું કરો છો… અમે તો નથી કંઈ કરતા…
વડા પ્રધાન : પણ રત્નાબાપા, અમે તો તમને બહુ યાદ કરીએ છીએ.
વડા પ્રધાન મોદીએ રત્નાબાપાને જૂની વાતો યાદ કરવાનું કહ્યું, પણ બાપાને બરાબર સંભળાયું નહીં એટલે તેમણે વડા પ્રધાનને કહ્યું : ‘તમે બોલો એ હું સાંભળી શકતો નથી, ધનજી (દીકરા) સાથે વાત કરો…’

વડા પ્રધાન : ધનજીભાઈ, બાપાને પૂછો, હું આવતો એ યાદ આવે છે.
ધનજીભાઈ : તમે અને શંકરસિંહબાપુ આવ્યા હતા ને બિલખા તે યાદ કરે ઘણી વાર, આપણે ત્રણ કલાક બેઠા’તા સાથે.
મોદીએ હસતાં-હસતાં હા પાડી એટલે રત્નાબાપાના દીકરા ધનજીભાઈ વાત આગળ વધારે છે.

ધનજીભાઈ : અત્યારે તો એ જ કહેતા હોય છે કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર બધે સારું કરે છે, સત્તરમી તારીખે મને કહે હાલ્ય ચેક દેવા જાવું છે…

એ પછી થોડી ઔપચારિક વાતો થઈ અને છેલ્લે નરેન્દ્ર મોદીએ રત્નાબાપાને પ્રણામ કરવાનું કહી ફોન મૂક્યો.